વડોદરા, તા.13: ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કોમ્પ્યુટર કલાસીસની આડમાં ધોરણ 10-12 અને આઇટીઆઇની ડુપ્લિકેટ માર્કશીટ, સર્ટિફિકેટ બનાવી આપવાના આરોપી 15 હજાર રૂપિયા લેતો હતો.
મળતી
માહિતી પ્રમાણે અંકલેશ્વર શહેરમાં પેટ્રાલિંગમાં રહેલી એસઓજી ટીમને બાતમી મળી હતી કે
જયેશ પ્રજાપતિ બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટનો ગેરકાયદે ધંધો કરે છે. હેપ્પી કોમ્પ્લેક્સમાં
રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસની આડમાં ધોરણ 10-12 અને આઇટીઆઇની ડુપ્લિકેટ માર્કશીટ,
સર્ટિફિકેટ બનાવી આપતો હતો. જેના આધારે ભરિચ એસઓજીએ જયેશ પ્રજાપતિના કલાસીસમાં દરોડો
પાડયો હતો. ક્લાસિસમાંથી દિલ્હી બોર્ડ, ગાંધીનગર મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટયૂટ,
વોકેશનલ ટ્રાનિંગ, સેકેન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ
સર્ટિફિકેટ, સાયન્સ, આઇટીઆઇની વિવિધ માર્કશીટ અને સર્ટિફિકેટો મળી આવ્યા હતા. આરોપી
બોગસ સર્ટી બનાવવાના 15 હજાર રૂપિયા લેતો હતો. જે દિલ્હીના કોઈ શખસ પાસે બનાવી તેને
ઓનલાઇન રૂ.7500 પેમેન્ટ કરતો હતો. આરોપીની દેશવ્યાપી બોગસ માર્કશીટ કૌભાંડમાં ધરપકડ
કરી 21 ડુપ્લિકેટ માર્કશીટ, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઇલ સાથે ધરપકડ કરાઈ હતી.
પોલીસની
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી લાંબા સમયથી આ ગેરકાયદે ધંધો ચલાવી રહ્યો
હતો. અત્યાર સુધી કેટલાં લોકોને નકલી માર્કશીટ આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કઈ જગ્યાએ
કરવામાં આવ્યો છે, તે અંગેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર, દિલ્હીના
મુખ્ય સહભાગીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ માટે એક ટીમ દિલ્હી મોકલવાની પ્રક્રિયા
ચાલી રહી છે. આ કાર્યવાહીથી શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્રના રેકેટનો મોટો
ભાંડો ફૂટયો છે.