દિલ્હી બ્લાસ્ટની સાજિશ હજી વધુ મોટી : એજન્સીઓ દ્વારા નવા એંગલ ઉપર તપાસ : અલગ અલગ જોડીમાં થવાનો હતો હુમલો
નવી
દિલ્હી, તા. 13 : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટની તપાસ ઝડપથી આગળ
વધી રહી છે. તપાસ એજન્સીઓ દ્વારા નવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, અંદાજીત આઠ સંદિગ્ધ એક મોટા આતંકવાદી હુમલાની તૈયારીમાં
હતા. યોજના હેઠળ ચાર શહેરમાં એકસાથે વિસ્ફોટ કરવાની સાજિશ રચવામાં આવી હતી. જેમાં દર
બે આરોપીની જોડીને એક એક શહેરમાં હુમલાની જવાબદારી સોંપવામાં આવી હતી. કહેવાય છે કે
આતંકવાદીઓ કુલ 32 ગાડીમાં વિસ્ફોટક પ્લાન્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. જેથી દેશમાં
મોટું નુકસાન થઈ શકે.
પ્રાથમિક
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જોડીમાં હતા અને તેમની પાસે ઘણા આઈઈડી હતા. પોલીસ
સૂત્રો અનુસાર આરોપીઓએ અંદાજીત 20 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા અને આ રકમ ડો. ઉમરને
ઓપરેશન ખર્ચ તરીકે સોંપવામાં આવ્યા હતા. રકમનો ઉપયોગ એનપીકે ખાતર ખરીદવા થયો હતો. જેમાં
નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. અંદાજીત
20 ક્વિંટલ ખાતર ખરીદવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ આઈઈડી બનાવવા થવાનો હતો.
એજન્સીઓ અનુસાર ડો. મુઝમ્મિલ 2021-2022 વચ્ચે અંસર ગઝવાત ઉલ હિંદથી પ્રભાવિત થયો હતો.
આ દરમિયાન ઉર્ફાન ઉર્ફે મૌલવી સાથે મુલાકાત થઈ હતી. વધુમાં પકડાયેલા આતંકીઓ પોતાનું
સ્વતંત્ર મોડયુલ બનાવવાની તૈયારીમાં હતા.
સૂત્રો
અનુસાર આતંકવાદીઓના પ્લાન અનુસાર 32 ગાડીનો ઉપયોગ આતંકવાદી હુમલામાં થવાનો હતો. જેના
હેઠળ ઉમર મોહમ્મદે આઈ20 કાર મારફતે લાલ કિલ્લા નજીક વિસ્ફોટ કર્યો હતો. આ ઉપરાંત એક
ઈકોસ્પોર્ટસ અને બ્રેજા બરામદ કરવામાં આવી છે. વિસ્ફોટ માટે અલગ અલગ કાર તૈયાર કરવામાં
આવનારી હોવાની દિશામાં એજન્સીઓ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને પકડાયેલા આતંકીઓની
આકરી પૂછપરછ થઈ રહી છે.
ઉમરે
જ દિલ્હી બ્લાસ્ટ કર્યાની પુષ્ટિ
નવી
દિલ્હી, તા.13: દિલ્હીમાં લાલકિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ આરોપી ડૉ.ઉમર ઉન નબીએ જ
કર્યો હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. તેનાં ડીએનએ તેની માતા સાથે મેચ થઈ ગયા છે. તપાસમાં
બહાર આવ્યું છે કે, ડૉ.ઉમર નબી બાબરી વિધ્વંસની વરસી એટલે કે 6 ડિસેમ્બરે કોઈ શક્તિશાળી
હુમલો કરવાની ફિરાકમાં હતો. જો કે 2900 કિલો વિસ્ફોટકો પકડાવા સાથે આતંકી ડોક્ટર મોડયુલનો
ભાંડો ફૂટી જતાં લાલકિલ્લા પાસે બ્લાસ્ટ કરી નાખવામાં આવ્યો હતો.
ઉમરે
તુર્કીનો પ્રવાસ પણ કરેલો અને ત્યારબાદ જ તે કટ્ટર બની ગયો હોવાનું માનવામાં આવે છે.
તુર્કીનાં પ્રવાસ પછી તેણે ગનાઈ સાથે મળીને એમોનિયમ નાઈટ્રેટ, પેટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર સહિતનાં વિસ્ફોટકો એકઠા કરવાં માંડયા
હતાં. જે અલ ફલાહનાં પરિસરમાં અને તેની આસપાસ છૂપાવવામાં આવતા હતાં.
દરમિયાન
આ બ્લાસ્ટનાં કાંડની તપાસમાં અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ચોથી કાર પણ મળી આવી છે જે ડૉ.
શાહીનનાં નામે નોંધાયેલી છે. તે પહેલા ડૉ.મુઝમ્મિલ પાસેથી એક સ્વિફ્ટ કાર પણ પકડાઈ
હતી અને તે પણ શાહીનની જ કાર હતી. જ્યારે આ પહેલા શોધી કાઢવામાં આવેલી ઉમરની લાલ રંગની
ઈકોસ્પોર્ટ કાર નકલી સરનામે નોંધાવવામાં આવેલી હતી.
ધડાકાનાં
ઘટનાસ્થળેથી ફોરેન્સિક વિભાગ દ્વારા લોહી, પગનો કપાયેલો હિસ્સો અને દાંતનાં સેમ્પલ
એકત્ર કરવામાં આવ્યા હતાં. તેનાં ડીએનએ ઉમરની માતા સાથે સરખાવવા માટે લેબોરેટરી મોકલવામાં
આવ્યા હતાં. રિપોર્ટમાં સેમ્પલ મેચ થઈ ગયા છે. એટલે કે ધડાકો થયો ત્યારે ઉમર જ કારમાં
હતો તેની સાબિતી મળી ગઈ છે. હવે આનાં આધારે જ આગળની તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાન
તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે, ઉમર નબીની લાલ રંગની ફોર્ડ ઈકોસ્પોર્ટ કાર ખોટા
સરનામે રજિસ્ટર કરવામાં આવેલી હતી. આ સરનામું ઉત્તરપૂર્વ દિલ્હીનાં સીલમપુર વિસ્તારનું
હોવાનું જાણવા મળે છે. જેને પગલે હવે આ વિસ્તારમાં પણ તપાસ એજન્સીઓએ ઉંડી તપાસ હાથ
ધરી છે અને ઉમર સાથે અહીં કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. જેમાં
અત્યાર સુધીમાં એવું બહાર આવ્યું છે કે, ફરીદાબાદની અલ ફલાહ કોલેજનાં બે છાત્ર પણ સીલમપુરમાં
જ રહેતા હતાં. તે બન્ને પણ ઉમર નબીનાં સંપર્કમાં રહેતા હતાં. આ બન્ને છાત્રોને ફરીદાબાદની
હોસ્ટેલમાંથી આજે સવાર પૂછપરછ માટે ઉઠાવી લેવામાં આવ્યા હતાં.
અલ
ફલાહ યુનિવર્સિટીની ED દ્વારા થશે તપાસ
નવી
દિલ્હી, તા. 13 : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભયાનક કાર બ્લાસ્ટે
પૂરા દેશને હચમચાવી દીધો છે. આ આતંકવાદી હુમલામાં 13 લોકોના મૃત્યુ થયા હતા. આતંકી
બનાવ બાદ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ ફલાહ યુનિવર્સિટી શંકાના દાયરામાં આવી છે કારણ
કે યુનિવર્સિટી સાથે જોડાયેલા ડોક્ટરો આતંકી હુમલામાં પકડાયા છે. હવે એસોસિએશન અફ ઈન્ડિયન
યુનિવર્સિટીઝએ અલ ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ તત્કાળના પ્રભાવથી રદ કરી દીધું છે. જ્યારે
કેન્દ્ર સરકારે યુનિવર્સિટીના ફંડિંગ સોર્સ અને આર્થિક લેવડદેવડની તપાસનો આદેશ જારી
કર્યો છે. ઈડી દ્વારા અલ ફલાહ યુનિવર્સિટીની તપાસ કરવામાં આવશે. બીજી તરફ નેક (એનએએસી)એ
યુનિવર્સિટીને ખોટી માન્યતા બતાવવા બદલ કારણ દર્શક નોટિસ ફટકારી છે.
અલ
ફલાહ યુનિવર્સિટીએ પોતાની વેબસાઈટ ઉપર નેકની માન્યતાનો ખોટો દાવો કર્યો હતો. જેના ઉપર
નોટિસ મોકલવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નેકના સંજ્ઞાનમાં આવ્યું છે કે
અલ ફલાહ યુનિવર્સિટીએ નેકની માન્યતા પ્રાપ્ત કરી નથી અને એએન્ડએ માટે ચક્ર-1મા ભાગ
પણ લીધો નથી. તેમ છતાં વેબસાઈટ ઉપર લખેલું છે કે અલ ફલાહ યુનિવર્સિટી, અલ ફલાહ ચેરિટેબલ
ટ્રસ્ટનું ઉપક્રમ છે, જે પરિસરમાં ત્રણ કોલેજ ચલાવે છે. યુનિવર્સિટીની માન્યતા મુદ્દે
મેડિકલ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા નોટિસ આપવામાં આવી છે તો બીજી તરફ ઈડી અને બીજી
એજન્સીઓની પણ હવે એન્ટ્રી થવાની છે. જેનો મુખ્ય હેતુ અલ ફલાહ યુનિવર્સિટીના ફંડિંગ
અને અન્ય ગતિવિધિની તપાસનો કરવાનો છે. કહેવાય છે કે અલ ફલાહનું ફોરેન્સિક ઓડિટ પણ એજન્સીઓ
દ્વારા કરવામાં આવશે.
તપાસ
એજન્સીએ અલ ફલાહ યુનિવર્સિટી સ્થિત ડો. ઉમર નબી અને ડો. મુઝમ્મિલના રુમમાંથી ડાયરી
બરામદ કરી છે. જેમાં ઘણા કોડવર્ડ લખેલા છે. ફરીદાબાદમાં 70 એકરમાં ફેલાયેલી યુનિવર્સિટી
આતંકી હુમલાનું કેન્દ્ર બનીને ઉભરી આવી છે. જેમા ડો. ઉમરના રૂમ નંબર ચાર અને ડો. મુઝમ્મિલના
રૂમ નંબર 13માથી ડાયરીઓ બરામદ થઈ છે. ડો. મુઝમ્મિલના રૂમ નંબર 13ને સીલ કરવામાં આવ્યો
છે અને તેમાંથી ઈલેક્ટ્રોનિક ઉપકરણ અને પેન ડ્રાઈવ જપ્ત થઈ છે. પોલીસ સૂત્રો અનુસાર
ડાયરી અને નોટબુકસમાં કોડવર્ડસ લખેલા છે. જેમાં 8 નવેમ્બરથી 12 નવેમ્બર વચ્ચેની તારીખનો
ઉલ્લેખ છે. ડાયરીમાં ઓપરેશન શબ્દનો પણ વારંવાર ઉલ્લેખ થયો છે.
કોઈ
ફરી હુમલાની હિંમત નહીં કરે, તેવી સજા અપાશે : શાહની ગર્જના
નવીદિલ્હી,તા.13:
ભારત સરકાર તરફથી સત્તાવાર ધોરણે દિલ્હી કાર બ્લાસ્ટને આતંકવાદી કરતૂત ગણાવ્યાને
24 કલાક બાદ ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદીઓને ચેતવણી આપતાં હુંકાર કર્યો છે કે, દિલ્હી
બ્લાસ્ટનાં ગુનેગારોને આકરી સજા અપાશે અને એવી સજા અપાશે જેનાથી બીજીવાર આવો કોઈ હુમલો
કરવાની હિંમત ન કરે. કોઈ જ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. આજે આવું નિવેદન આપ્યા બાદ
રાતે ગૃહમંત્રી અમિત શાહનાં આવાસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને આઈબીનાં
વડા સાથે બંધ બારણે બેઠક પણ કરી હતી. જે કોઈ મોટી નવાજૂની થવાનાં અણસાર પણ આપી જાય
છે. ગૃહમંત્રીએ પોતાના નિવાસસ્થાને જ બોલાવેલી
એક ઉચ્ચ સ્તરિય બેઠકમાં ગૃહ મંત્રાલય તેમજ ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે
આતંકવાદી હુમલાની તપાસમાં પ્રગતિ અને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
દિલ્હી ધડાકાના સંબંધમાં બેઠક માટે અમિત શાહે અદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક ઉત્સવના
ઉદ્ઘાટન માટે આજે જ નિર્ધારિત ગુજરાત પ્રવાસ પણ રદ કરી નાખ્યો હતો.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષથી આતંકવાદ સામે ભારતની લડાઇને આખી દુનિયાએ
સ્વીકરી છે, તેવું અમિત શાહે જણાવ્યું હતું. ગૃહપ્રધાને અનેક બેઠકોના દોર બાદ આજે પણ
ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવીને તમામ એજન્સીઓને સ્પષ્ટ નિર્દેષ આપ્યો હતો કે દોષીઓને શોધીને
કડક સજા અપાવવાની છે.