• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

અમદાવાદમાં યુવક સાથે $ 32 લાખનો સાયબર ફ્રોડ

હોમિયોપેથી દવાના વેપારના બહાને આરોપીઓએ છેતરપિંડી આચરી : સાયબર પોલીસની ટીમે મુંબઈ અને બેંગ્લુરૂથી નાઈજીરીયન સહિત છને દબોચી લીધા

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.11: આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના વધુ એક બનાવમાં અમદાવાદના એક વ્યક્તિ સાથે હોમિયોપેથીક દવાનો વેપાર કરવાના બહાને રૂા.32 લાખની વધુ છેતરપિંડી આચરનારા છ શખસોને અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે પકડી લીધા હતા.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી નિહાર વર્માનો કેટલાક શખ્સોએ આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓનલાઇન સંપર્ક કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેઓ ભારતમાં ‘યુપેટોરિયમ મર્કોલા લિક્વિડ’ નામની હોમિયોપેથિક દવાના સપ્લાયરની શોધમાં છે, જેનો કથિત ઉપયોગ આફ્રિકામાં મેલેરિયા અને ડેન્ગ્યુની સારવારમાં થાય છે. આરોપીઓએ વર્માને એક નફાકારક બિઝનેસના પ્રસ્તાવની લાલચ આપી હતી. જેમાં તેમને શર્મા એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચારિંગ નામના ભારતીય વિક્રેતા પાસેથી રૂા.5.72 પ્રતિ લિટરના ભાવે દવા ખરીદીને તે જ દવા ‘આફ્રિકન ખરીદદાર’ને રૂા.9.68 લાખમાં પ્રતિ લિટરે વેચવાની ઓફર કરાઈ હતી. શરુઆતમાં નિહાર વર્માને વિશ્વાસ અપાવવા માટે શર્મા એન્ટરપ્રાઇઝના સેલ્સ રિપ્રેઝન્ટેટિવ તરીકે જયદેવ નામના વ્યક્તિએ એક લિટર લિક્વિડનું પાર્સલ મોકલ્યું. નિહાર વર્મા દિલ્હીમાં એક કથિત આફ્રિકન લેબ સાયન્ટિસ્ટને પણ મળ્યા, જેણે સેમ્પલને ‘મંજૂરી’ આપી દીધી હતી. ત્યાર બાદ વિશ્વાસમાં આવી નિહાર વર્માએ મોટો ઓર્ડર આપ્યો અને ઍડ્વાન્સ પેમેન્ટ તરીકે રૂ.27 લાખ આરોપીઓ દ્વારા શેર કરાયેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. જોકે, જ્યારે તેઓ કન્સાઇનમેન્ટ લેવા રાજસ્થાનના ભીલવાડા ગયા, ત્યારે તેમને જાણ થઈ કે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં નિહાર વર્માએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ નાઇજિરિયન સંચાલિત સાયબર ક્રાઇમ સિન્ડિકેટ દ્વારા ચલાવવામાં આવતું હતું. આ ગેંગ સોશિયલ મીડિયા અને ઓનલાઇન કોમ્યુનિકેશન દ્વારા પીડિતોનો સંપર્ક કરી આંતરરાષ્ટ્રીય વેપારની ખોટી ઓફરો કરતી હતી. એકવાર પીડિત સંમત થાય પછી તેમને શ્રી રામ એન્ટરપ્રાઇઝ, સ્ટાર એન્ટરપ્રાઇઝ, લક્ષ્મી એન્ટરપ્રાઇઝ અને એમ. જી. એન્ટરપ્રાઇઝ જેવા નકલી નામો હેઠળ ભારતીય બેંકોમાં ખોલાવેલા ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવી છેતરવામાં આવતા હતા.

નાઇજિરિયન નાગરિક તેના સાથીદારો સલીમ શેખ, ત્રિજુગીલાલ કુર્મી અને રાજેશ સરોજ દ્વારા ટ્રાન્સફર કરવામાં રૂપિયાનો વહીવટ કરવામાં આવતો હતો. પોલીસે જણાવ્યું કે નવી મુંબઈ સ્થિત નેપાળી દંપતી કૃષ્ણમતી અને મહેશ ચૌધરીની આ રેકેટમાં મુખ્ય ભૂમિકા હતી. તેઓ બેંક ખાતાઓનું સંચાલન કરતા અને કમિશનના બદલામાં છેતરાપિંડીથી મેળવેલા ફંડને ગેંગના અન્ય સભ્યોને ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓ એક ફર્મના નામે 12થી 15 ખાતા ખોલાવતા અને જેવી કોઈ ખાતા વિરુદ્ધ ફરિયાદ થાય કે તરત જ તેઓ બીજા શહેરમાં સ્થળાંતર કરી લેતા હતા.

પોલીસે મુંબઈ અને બેંગ્લુરૂથી નાઈજિરિયન નાગરીક મેડુફોર સ્ટીવ ઉઝોચી સહિત કૃષ્ણમતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ, ત્રિજુગીલાલ કુર્મી અને રાજેશકુમાર સરોજની ધરપકડ કરી છે.

ઉલ્લેખની છે કે, આ નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓ સાથે જોડાયેલી 112થી વધુ ફરિયાદો કર્ણાટક, પંજાબ, મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને કેરળમાં ટ્રેસ કરવામાં આવી છે. આ સિન્ડિકેટમાં સામેલ બાકીના નાઈજિરિયન સભ્યો અને ભારતીય સહયોગીઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક