• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

રાજ્યમાં આજે 97 કેન્દ્ર પર, કાલથી 300 કેન્દ્ર ઉપર ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી કરાશે

અમદાવાદ, તા.8 : રાજ્યમાં આવતીકાલે રવિવારથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ થવા જઈ રહ્યો છે. શરૂઆતમાં રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથી પ્રારંભિક ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવશે. બાદમાં સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, જેથી રાજ્યના વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે.

ટેકાના ભાવની ખરીદીમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખરીદી કેન્દ્રો પર લગાવવામાં આવેલા સીસીટીવીનું લાઇવ સ્ટ્રામિંગ સીધું રાજ્યના કૃષિ વિભાગમાં કરવામાં આવશે. ઉપરાંત ખરીદી કેન્દ્રો પરના વહીવટને સુવ્યવસ્થિત રાખવા માટે ક્લાસ-1 અને ક્લાસ-2 કક્ષાના અધિકારીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.

ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આવતીકાલે  9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.480, અડદના ભાવમાં રૂ.400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.436નો ભાવવધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે.

દરમિયાન કૃષિ અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ અગાઉ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂ.15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના ખેડૂતોએ ઓછા બજાર ભાવમાં પોતાની જણસી વેચવી નહીં પડે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી સરકારના ધારાધોરણો મુજબ ખરીદવાનો નિર્ણય કરાયો છે. ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ.7263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ.8768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ.7800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ.5328 પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક