અન્ય સત્રની તુલનાએ નાનું : વિપક્ષ ગઠબંધન ચૂંટણી પંચના વડા સામે મહાભિયોગ લાવે તેવી સંભાવના
નવી
દિલ્હી, તા. 8 : સંસદનું શિયાળુ અધિવેશન પહેલી ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી યોજાશે
એવી જાહેરાત આજે સંસદીય કાર્ય પ્રધાન કિરણ રિજિજુએ કરી હતી. રિજિજુએ કહ્યું હતું કે
1થી 19 ડિસેમ્બર દરમિયાન સંસદના શિયાળુ અધિવેશન યોજવાના સરકારના પ્રસ્તાવને રાષ્ટ્રપતિ
દ્રોપદી મુર્મૂએ બહાલી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આ માહિતી આપવાની
સાથે જ રિજિજુએ કહ્યું હતું કે અમને આશા છે કે સંસદનું શિયાળુ અધિવેશન રચનાત્મક અને
સાર્થક રહેશે. આપણા લોકતંત્રને મજબૂત કરવાની સાથે જ જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.
સંસદના અન્ય સત્રોની તુલનાએ શિયાળુ સત્ર નાનું હશે.
સંસદનું
આ શિયાળુ અધિવેશન ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન માટે રાજ્યસભાના સભાપતિ તરીકે પહેલું
બની રહેશે. બારમી સપ્ટેમ્બરે રાધાકૃષ્ણને દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લીધા હતા.
આ પહેલા સંસદનું ચોમાસુ અધિવેશન 21 જુલાઇથી 21 અૉગસ્ટ વચ્ચે યોજાયું હતું જે ખૂબ જ
તોફાની બની રહ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામું આપીને સૌને ચોંકાવી
દીધા હતા ઉપરાંત બિહારમાં એ સમયે શરૂ થયેલા મતદાર પુનરિક્ષણની પ્રક્રિયાની ચર્ચાની
માગ સાથે વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો અને સત્ર એક દિવસ વહેલું આટોપી લેવાયું
હતું.
ચોમાસુ
અધિવેશનમાં વારંવાર વિક્ષેપ અને ગૃહ મોકૂફીના પગલે લગભગ એક મહિનામાં લોકસભામાં કામકાજની
સફળતા 31 ટકા અને રાજ્યસભામાં 39 ટકા પ્રોડક્ટિવિટી રહી હતી. કાશ્મીરના પહેલગામમાં
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ અૉપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં
અંદર ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ નષ્ટ કર્યા હતા એની ચર્ચા પણ ચોમાસુ અધિવેશનમાં થઇ હતી.
ચોમાસુ અધિવેશનમાં બે દિવસ અૉપરેશન સિંદૂરની ચર્ચા કરાઇ હતી જેમાં 130થી વધુ સાંસદોએ
ભાગ લીધો હતો. લોકસભામાં સરકારે 14 બિલ પ્રસ્તુત કર્યા હતા જેમાંથી 12 પારિત કરાયા
હતા ઉપરાંત રાજ્યસભામાં પણ 15 બિલોને મંજૂરી મળી હતી. આ યાદીમાં આવકવેરા બિલ 2025 પણ
સામેલ હતું જે સરકારે પરત લીધું હતું.
શિયાળુ
સત્ર દરમ્યાન વિપક્ષી જોડાણ ‘ઈન્ડિયા’ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ મહાભિયોગ લાવી શકે છે.
આ સંબંધમાં
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લાકાર્જુન ખડગેનાં નિવાસસ્થાને ઈન્ડિયા જોડાણના નેતાઓની બેઠક પણ
થઇ ચૂકી છે.
એ સિવાય
બિહાર વિધાનસભા ચૂંટણીના મુદ્દે વિપક્ષ ધમાલ કરે તેવી સંભાવના પણ નકારી ન શકાય.
ઉપરાંત,
દેશના 12 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી મતદારયાદી સુધારણા (સર)ની પ્રક્રિયાનો
પણ વિપક્ષી છાવણી શિયાળુ સત્રમાં વિરોધ કરી શકે છે.
બીજી
તરફ કેન્દ્રની મોદી સરકાર શિયાળુ સંસદ સત્ર?દરમ્યાન જનવિશ્વાસ વિધેયક સહિત અનેક મહત્ત્વના
વિધેયક પસાર કરાવવા માટે તૈયારી કરી રહી છે.