• રવિવાર, 09 નવેમ્બર, 2025

હડકાયા શ્વાનનો આતંક : ડેડરવા ગામે 12 અને મોરબીમાં 8 લોકોને શિકાર બનાવ્યા બાળકો-વૃદ્ધો સહિત ઘાયલોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

શ્વાન ન પકડાતા તંત્રની કામગીરી સામે લોકોમાં આક્રોશ, લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર

જેતપુર, મોરબી, તા.12 : જેતપુર તાલુકાના ડેડરવા ગામે આજે વહેલી સવારે એક હડકાયા શ્વાને રીતસરનો આતંક મચાવી ગામના બાળકો સહિત 12થી વધુ લોકોને બચકાં ભરી લોહીલુહાણ કરી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શ્વાનના હુમલાનો ભોગ બનેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે આખું ગામ ભયના ઓથાર હેઠળ છે અને સ્થાનિક તંત્રની નિક્રિયતા સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મોરબી શહેરના નવલખી રોડ પર આવેલા રામ ઔર શ્યામનગર સોસાયટીમાં હડકાયા શ્વાને રીતસરનો આતંક મચાવ્યો હતો. માસૂમ બાળક સહિત આઠ વ્યક્તિને બચકા ભરી લીધા હતા. જે સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા સીસીટીવીમાં પણ કેદ થઇ છે. સોસાયટીમાં રહેતા બાળક, વૃદ્ધા સહિતના આઠ જેટલા વ્યક્તિને શ્વાને બચકા ભરી લેતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. હડકાયા શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભય અને તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

ડેડરવાની ઘટના અંગે પીડિત સાથે આવેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, આજે સવારે એક શ્વાન ગાંડું થયું હતું. ટ્રેક્ટરના ડ્રાઇવર સૂતા હતા ત્યાં શ્વાને આવીને સીધો તેમના મોઢા પર હુમલો કર્યો. એ તો ભાગ્યા પણ શ્વાને આખા ગામમાં ફરી વળીને જે સામે આવ્યું તેને બચકાં ભર્યા હતા. અમે તંત્રને સવારથી જાણ કરી દીધી છે, પણ હજુ કોઈ તેને પકડવા આવ્યું નથી અને હડકાયું શ્વાન હજુ ગામમાં જ ફરી રહ્યું છે. અન્ય એક પીડિત હરજીતાસિંહે કહ્યું હતું કે, હું સવારે સાડા પાંચ-છ વાગ્યે સૂતો હતો, ત્યારે અચાનક શ્વાને મારા પર હુમલો કર્યો. હું કંઈ સમજુ એ પહેલાં તો તેણે મને બચકું ભરી લીધું. ગામના સરપંચે જણાવ્યું હતુ કે, અમે તાલુકા પંચાયત અને સંબંધિત વિભાગને જાણ કરી દીધી છે, પરંતુ હજુ સુધી કોઈ ટીમ ગામમાં ફરકી નથી. જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને શ્વાને બચકાં ભર્યા હોવાથી ડેડરવા ગામના લોકો ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે. ખેતીકામ પર જતા ખેડૂતો અને મજૂરો પણ ડરી રહ્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે, વારંવાર રજૂઆત કરવા છતાં રખડતા શ્વાનોના ત્રાસને દૂર કરવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ઘાયલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને સમગ્ર ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે, ત્યારે વહીવટી તંત્ર ક્યારે જાગીને હડકાયા શ્વાનને પકડીને ગ્રામજનોને ભયમુક્ત કરશે તે જોવું રહ્યું.

જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો

હરજીતાસિંગ મુખ્તીયારાસિંગ (ઉં.વ.38), 3 વર્ષનો માસૂમ શિવાંશ ભાવેશભાઈ ડાભી, દક્ષાબેન રાજેશભાઈ સરવૈયા (ઉં.વ.30), નિત્યા મીલનભાઈ મૂળિયા (ઉં.વ.5), મુકેશભાઈ જેરામભાઈ મકવાણા (ઉં.વ.45), વૈદેહી કમલેશ મકવાણા (ઉં.વ.7), રોશનીબેન ભરતભાઈ ચાવડા (ઉં.વ.22), નિર્મળાબેન હેમરાજભાઈ ભાયાણી (ઉં.વ.72), મંજુલાબેન શામજીભાઈ મોરબિયા (ઉં.વ.56), ધ્રુવી રાજેશભાઈ રેવર (ઉં.વ.12), સમય છગનભાઈ મોરબિયા (ઉં.વ.18) અને જય કિરીટભાઈ ડોબરિયા (ઉં.વ.10)માંથી મોટાભાગના લોકોને પગ, હાથ અને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

ઇ-પેપરના નવા શુલ્ક