પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ઈન્દિરા ગાંધીએ પોતાનો જીવ આપીને કિંમત ચૂકવી
નવી
દિલ્હી, તા. 12 : 1984મા પંજાબના અમૃતસરમાં આવેલા શિખોના સૌથી પવિત્ર સ્થળ સ્વર્ણ મંદિરની
અંદર ઉગ્રવાદીઓ ઉપર કાબૂ મેળવવા માટે તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીએ સૈન્ય કાર્યવાહીની
મંજૂરી આપી હતી. આ ઓપરેશનના કારણે ઈન્દિરા ગાંધીની રાજનીતિક સ્થિતિ પ્રભાવિત થઈ હતી
અને અંતે હત્યા કરી દેવામાં આવી હતી. વધુમાં કોંગ્રેસ ઉપર સતત શિખોની ધાર્મિક ભાવના
ઉપર ઠેસ પહોંચાડવાનો આરોપ લાગે છે. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય
મંત્રી પી. ચિદમ્બરમે કહ્યું છે કે સ્વર્ણ મંદિર પરત મેળવવા માટે ઓપરેશન બ્લુ સ્ટાર
કરવાની રીત અયોગ્ય હતી. જેની કિંમત ઈન્દિરા ગાંધીએ પોતાનો જીવ ગુમાવીને ચુકાવી છે.
ચિદમ્બરમ
હિમાચલ પ્રદેશના કસૌલીમાં ખુશવંત સિંહ સાહિત્ય મહોત્સવમાં બોલી રહ્યા હતા. તેઓ પત્રકાર
હરિંદર બાવેજાના પુસ્તક ‘ધે વિલ શૂટ યૂ, મેડમ’ ઉપર ચર્ચા કરી રહ્યા હતા. ચિદમ્બરમે
કહ્યું હતું કે, તેઓ કોઈપણ જવાનનો અનાદર કરી રહ્યા નથી પણ સ્વર્ણ મંદિર પરત લેવાની
રીત ખોટી હતી. બ્લુ સ્ટાર ઓપરેશન યોગ્ય નહોતું. જો કે આ નિર્ણય ઈન્દિરા ગાંધીનો એકલાનો
નહોતો. સેના, પોલીસ, ગુપ્તચર વિભાગ અને સિવિલ સેવાનો પણ સાથેનો નિર્ણય હતો. દોષ માત્ર
ઈન્દિરા ગાંધીને આપી શકાય નહીં. વર્તમાન પંજાબની વાત કરતા પીસીએ કહ્યું હતું કે, પંજાબમાં
હવે ખાલિસ્તાનની માગ લગભગ ખતમ થઈ ચૂકી છે.