અમેરિકી જહાજો ઉપર વિશેષ પોર્ટ ચાર્જ લાદવા તૈયારી : અમેરિકાના વલણને બેવડા માપદંડ ધરાવતું ગણાવ્યું
બીજિંગ,
તા. 12 : ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત દુનિયાને ડરાવતું પગલું ભર્યું છે. હકીકતમાં અમેરિકા
તરફથી ચીનથી આયાત કરવામાં આવતા તમામ સામાન ઉપર 100 ટકા ટેરિફનું એલાન કર્યું છે. આ
હાઈ ટેરિફ લાગુ કરવા માટે 1 નવેમ્બર 2025ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ નિર્ણય બાદથી
અમેરિકા-ચીનમાં મોટા ટ્રેડ વોરના સંકેત મળી ગયા છે. અમેરિકી ટેરિફના જવાબમાં ચીને પણ
પલટવાર કર્યો છે અને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી દીધી છે. આ સાથે અમેરિકી જહાજ
ઉપર વિશેષ પોર્ટ ચાર્જ લગાડવાની પણ ચેતવણી આપી છે. અમેરિટી ટેરિફ ઉપર પ્રતિક્રિયા આપતા ચીનના વાણિજ્ય
મંત્રાલયે આલોચના કરી હતી અને અમેરિકાના પગલાને બેવડા માપદંડનું ઉદાહરણ ગણાવ્યું હતું.
ચીનની કોમર્સ મિનિસ્ટ્રીએ આકરા લહેજામાં કહ્યું હતું કે ચીન લડવા ઈચ્છતું નથી, લડવાથી
ડરતું પણ નથી. જો જરૂરી પડશે તો જવાબી કાર્યવાહી પણ કરશે.
પોતાની
પ્રતિક્રિયામાં ચીની વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે ટ્રેડ વાર્તા બાદ અમેરિકાએ ચીન
સામે સતત નવા પ્રતિબંધ મુક્યા છે. ઘણી ચીની કંપનીઓને નિકાસ નિયત્રણ અને પ્રતિબંધની
યાદીમાં સામેલ કરી છે. દરેક સ્થિતિમાં હાઈ ટેરિફ લગાડવાની ધમકી ચીન સાથે વાતચીતની સાચી
રીત નથી.તેઓ અમેરિકાને આગ્રહ કરે છે કે પોતાની ખોટી પ્રથાઓને તરત જ સુધારે અને ચીન-અમેરિકાના
આર્થિક વ્યવહારોને સ્થિર, સ્વસ્થ બનાવી રાખે.
ચીન
તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે તે અમેરિકા સંબંધિત જહાજ ઉપર વિશેષ પોર્ટ ચાર્જ
લાદશે. આ કદમને નવા અમેરિકી ટેરિફના જવાબમાં એક જરૂરી રક્ષાત્મક કાર્યવાહી ગણાવવામાં
આવી છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે જો અમેરિકા પોતાનું વલણ બદલશે નહીં તો ચીન પોતાના
અધિકાર અને હિતની રક્ષા કરવાથી પીછેહટ કરશે નહીં.