કાબૂલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક બાદ તાલિબાન સરકારે પાકિસ્તાન ઉપર વળતો પ્રહાર કર્યો : પાકિસ્તાની ચોકીઓ કબજે કરી, સાઉદીએ બતાવી મધ્યસ્થતાની તૈયારી
નવી
દિલ્હી, તા. 12 : પાકિસ્તાન દ્વારા કાબુલમાં એરસ્ટ્રાઈક કરવામાં આવ્યા બાદ હવે અફઘાનિસ્તાન
દ્વારા જોરદાર વળતો પ્રહાર કરવામાં આવ્યો છે અને સરહદે કરેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના
58 સૈનિકને ઠાર કરી દીધા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેના વચ્ચે સરહદે ઘણા વિસ્તારમાં
લડાઈ ચાલી રહી છે. જેનાથી બન્ને દેશ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અફઘાનિસ્તાના
હુમલા બાદ પાકિસ્તાને રવિવારે સવારે અફઘાનિસ્તાનની ઘણી ફોરવર્ડ પોસ્ટ ઉપર ટેંક, તોપ
અને ડ્રોન્સની મદદથી જવાબી હુમલો કર્યો હતો. બન્ને દેશ વચ્ચે વધતા સંઘર્ષના કારણે દુનિયાભરના
દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. સાઉદીએ બન્ને દેશને શાંતિ જાળવવા અને સાથે મધ્યસ્થાની અપીલ
કરી હતી. ભારત આવેલા અફઘાન વિદેશ મંત્રીએ કહ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છ
છે પણ પ્રયાસ સફળ ન થાય તો અન્ય વિકલ્પ છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર બન્ને દેશ વચ્ચે અંગુર અડ્ડા, બજૌર, કુર્રમ, દીર,
ચિત્રાલ અને ખૈબર પખ્તુનખ્વા તેમજ બલૂચિસ્તાનના બરામચા સહિતની ફોરવર્ડ ચોકીએ ઘર્ષણ
થયું હતું. પાકિસ્તાનનો દાવો છે કે ટીટીપીના આતંકીઓને પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરાવવા
સરહદે ગોળીબાર કરવામાં આવ્યો છે. આ સાથે પાકિસ્તાને દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની
ઘણી પોસ્ટ બરબાદ થઈ છે. તેમજ અફઘાન સૈનિકો અને ટીટીપી આતંકીઓ માર્યા ગયા છે. બીજી તરફ
તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદના કહેવા પ્રમાણે અફઘાન દળોએ 25 પાકિસ્તાની
સૈન્ય ચોકીઓ કબજે કરી છે. તેમજ 58 સૈનિકો માર્યા છે. તેમજ હુમલામાં 30 અન્ય પાકિસ્તાની
સૈનિક ઘાયલ થયા છે.
તાલિબાન
સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા અફઘાન ક્ષેત્ર અને હવાઈ સીમાનું વારંવાર
ઉલ્લંઘન કરવામાં આવતા જવાબમાં કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે શહબાજ શરીફે શેખી મારી
છે કે પાકિસ્તાન રક્ષા સાથે કોઈ સમજૂતિ કરશે નહીં. તેમજ દરેક ઉશ્કેરણીનો જવાબ આપવામાં
આવશે.
પાકિસ્તાન
અને અફઘાનિસ્તાનની સેના વચ્ચે સંઘર્ષ ઉપર અમેરિકાના પૂર્વ રાજદૂત જાલમે ખાલિજાદે ચિંતા
વ્યક્ત કરી છે અને વિસ્તારમાં મોટાપાયે સંઘર્ષ શરૂ થવાની આશંકા વ્યક્ત કરી છે. સાઉદીના
વિદેશ મંત્રાલય તરફથી પણ બન્ને પક્ષને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે અને મધ્યસ્થતાનો
પ્રસ્તાવ આપ્યો છે. આ ઉપરાંત કતર, ઈરાને પણ બન્ને દેશને વાતચીત કરવા અને સંયમ જાળવવા
કહ્યું છે.
આ
દરમિયાન ભારત પહેંચેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તકીએ કહ્યું હતું કે, સરહદે
સ્થિતિ સામાન્ય બની છે. કતર અને સાઉદી દ્વારા મધ્યસ્થતાનો પ્રસ્તાવ મળતા ગોળીબાર રોકી
દેવાયો છે. જો કે એમ પણ કહ્યું હતું કે તેઓ સ્થિતિનું શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે પણ
શાંતિનો પ્રયાસ સફળ ન થાય તો અફઘાનિસ્તાન પાસે અન્ય વિકલ્પ પણ છે.