• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ભારતને ધમકી આપવામાં અમેરિકાએ હદ વળોટી

નવારોનો નવો લવારો : અમેરિકાનું નહીં માને તો ભારત માટે સારું નથી : ચીને કહ્યું, ભારત સાથે મળીને અમેરિકાનાં ટેરિફનો સામનો કરાશે

નવી દિલ્હી, તા.9: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં બદલાતા તેવર વચ્ચે અમેરિકાએ ફરી એકવાર ભારતને ધમકી આપી છે અને આ વખતે તો તમામ મર્યાદાઓ લાંઘી જવામાં આવી છે. વ્હાઈટ હાઉસનાં વ્યાપાર સલાહકાર પીટર નવારોએ કહ્યું હતું કે, ભારતે આજે નહીં તો કાલે અમેરિકાનું માનવું જ પડશે. આટલેથી નહીં અટકતા તેમણે આગળ કહ્યું હતું કે, જો આવું નહીં થાય તો ભારત માટે સારું નથી. તો બીજીબાજુ ચીને કહ્યું છે કે, તે ભારત સાથે મળીને અમેરિકાની આ મનસ્વી નીતિનો મુકાબલો કરશે. ભારતમાં ચીનનાં રાજદૂત શૂ ફેહોન્ગે કહ્યું હતું કે, ભારત ઉપર લગાડવામાં આવેલો ટેરિફ અકારણ અને ખોટો છે. ભારત અને ચીન આર્થિક સંબંધો મજબૂત કરીને ટ્રમ્પનાં ટેરિફનો સામનો કરશે.

એકબાજુ ટ્રમ્પને ચીનનાં હાથે ભારત અને રશિયાને ગુમાવી દેવાનો અફસોસ છે અને તેઓ ફરીથી મોદી સાથે મિત્રતાનો હવાલો આપીને સંબંધોને થોડા સુધારવાનાં પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે તેમનાં સલાહકારે ફરીથી બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે. નવારોએ કહ્યું છે કે, ભારતને ક્યારેક તો અમેરિકા સાથે વેપાર વાટાઘાટો માટે સહમત થવું જ પડશે. જો આવું નહીં થાય તો નવી દિલ્હી રશિયા અને ચીન સાથે ઉભેલી દેખાશે. જે ભારત માટે જરા પણ સારું નથી.

બ્રિક્સને પણ નિશાને લેતા નવારોએ કહ્યું હતું કે, અસલ વાત એ છે કે, આ સમૂહનો કોઈપણ દેશ ત્યાં સુધી જીવિત રહી ન શકે જ્યાં સુધી તે અમેરિકાને પોતાનો માલ ન વેંચે. જ્યારે તે અમેરિકાને નિકાસ કરે છે ત્યારે તે અયોગ્ય વેપાર નીતિનાં રાક્ષસની જેમ અમારી નસોનું લોહી ચૂસી જાય છે. ભારત દાયકાઓથી ચીન સામે યુદ્ધ લડે છે. મને આજે પણ યાદ છે કે, પાકિસ્તાનને ચીને જ પરમાણુ બોમ્બ આપેલો. હવે હિંદ મહાસાગરમાં ભારતની નજીક ચીની ઝંડાવાળા હવાઈ જહાજ પણ ઉડી  રહ્યાં છે. હવે મોદી આને કેવી રીતે સંભાળે છે તે જોઈએ.

બીજીબાજુ અમેરિકા વિરુદ્ધ ચીન ખુલીને ભારતની સાથે જોવા મળી રહ્યું છે. જાપાન ઉપર વિજયનાં 80 વર્ષ પૂરા થવા નિમિતે આયોજિત એક કાર્યક્રમમાં ચીનનાં રાજદૂતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદમાં સહમતી બની છે. જો બન્ને દેશ વચ્ચે કોઈ તનાવ સર્જાય તો પણ તેમાં ત્રીજા કોઈ દેશની ભૂમિકા રહેવાની નથી. અમેરિકા ટેરિફનો ઉપયોગ શત્ર તરીકે કરે છે અને ભારત-ચીન બન્ને આતંકનાં શિકાર બનેલા દેશ છે. હવે ભારત અને ચીન મળીને 21મી સદીને એશિયાની સદી બનાવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક