• રવિવાર, 20 જુલાઈ, 2025

બેજવાબદાર રિપોર્ટિંગ, માફી માગો : વિદેશી મીડિયાને નોટિસ

-ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટસે વોલ સ્ટ્રીટ જર્નલ, રોયટર્સની ખબરોને ગણાવી પાયાવિહોણી-અપમાનજનક

 

નવી દિલ્હી, તા.19 : તુરંત માફી માગવાની માગ સાથે ભારતના પાયલટોના સંગઠને વિદેશી મીડિયાને નોટિસ ફટકારી છે. ભારતીય પાયલટોનો સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટસ (એફઆઈપી) એ ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોયટર્સ જેવી સંસ્થાઓને કાનૂની નોટિસ મોકલી છે. સંસ્થાએ માગ કરી છે કે એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ-171 દુર્ઘટના અંગે આ મીડિયા હાઉસોએ પાયાવિહોણી અને અપમાનજનક ખબરો પ્રકાશિત કરી છે. આ ખબરોને રદિયો આપીને તુરંત માફી માગવામાં આવે. સંગઠને આવા રિપોર્ટસથી પાયલોટ સમુદાયનું મનોબળ નબળુ પડયાનું જણાવ્યું છે.

ગત 1ર જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા અંગે ઉચ્ચસ્તરીય તપાસ ચાલી રહી છે તેવા સમયે વિદેશી મીડિયામાં દુર્ઘટનાની જવાબદારી મામલે ભ્રામક અહેવાલો આવી રહ્યા છે.  એન્જીનની ફયૂલ સ્વિચથી માંડીને સીનિયર પાયલોટની ભૂમિકા શંકાના ઘેરામાં લાવવામાં આવી છે. એફઆઈપીના પ્રમુખ કેપ્ટન સીએસ રંધાવાએ કહયું કે એએઆઈબીના રિપોર્ટમાં કયાંય લખ્યું નથી કે પાયલોટની ભૂલને કારણે ફયૂલ સ્વિચ બંધ થઈ હતી. આ મીડિયા હાઉસોએ રિપોર્ટને યોગ્ય રીતે વાંચ્યો નથી. અમે તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીશું. બીજીતરફ એરલાઈન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ પણ આ મામલે સાવચેતી દાખવવાની સલાહ આપી છે. સંગઠને ચેતવણી આપી કે આવી અટકળોવાળી ખબરોથી ભારતની વિમાનન વ્યવસ્થા પર જનતાનો ભરોસો તૂટી શકે છે. પુરાવા વિના આંગળી ઉઠાવવી અયોગ્ય છે. તપાસ હજુ પૂરી થઈ નથી.એએઆઈબીએ પણ વિદેશી મીડિયાને આડે હાથ લેતાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદનાદાખવવા અપીલ કરી છે. બ્યુરોએ કહયુ કે તપાસ હજુ પ્રારંભિક તબકકામાં છે અને દુર્ઘટનાનું કારણ નક્કી કરવું ઉતાવળ હશે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડે એક નિવેદન જાહેર કરી અટકળોવાળી ખબરો સામે વાંધો ઉઠાવી કહ્યંy કે અમે એએઆઈબીની અપીલનું સમર્થન કરીએ છીએ અને તેમની તપાસમાં સહયોગ આપીશું.

 

ઇ-પેપરના નવા શુલ્ક