મોરબી
જિલ્લાના અંદાજે રૂ.187 કરોડના કુલ 49 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કરતા ભૂપેન્દ્રભાઈ પટેલ
મોરબી,
તા.26 : મોરબીના રવાપર ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવીને
જણાવ્યું હતું કે, મોરબીને મહાનગરપાલિકાના દરજ્જાથી શહેરના વિકાસને વધુ ગતિ મળશે.
વડાપ્રધાનના
‘વૂમન લેડ ડેવલપમેન્ટ’ વિકાસમંત્રનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું
કે, આજે મયૂર ડેરીમાં અંદાજે રૂ. 15 કરોડ રૂપિયાના ખર્ચે બે લાખ લિટરની કેપેસિટીના
ચાલિંગ પ્લાન્ટના ખાતમૂહુર્તથી મોરબી જિલ્લાના 18,000થી વધુ મહિલા દૂધ-ઉત્પાદકોને સીધો
જ લાભ મળશે. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું
હતું કે, મોરબી શહેરમાં નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા અને બ્યૂટિફિકેશનના અંદાજે
રૂ. 300 કરોડના કામો પ્રગતિમાં છે. મોરબી અને સિરામિકને એકબીજાના પર્યાય ગણાવીને મુખ્યમંત્રીએ
જણાવ્યું કે, આજે મોરબી એટલે સિરામિક અને સિરામિક એટલે મોરબી એવી ઓળખ પ્રસ્થાપિત થઈ
છે.
મુખ્યમંત્રીએ
ઉમેર્યુ હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવા રૂ. 1461 કરોડના ખર્ચે
425 એકર વિસ્તારમાં જી.આઈ.ડી.સી.-સિરામિક પાર્કનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. મોરબી
સિરામિક ઉદ્યોગની સાથે જ નવલખી બંદર ખાતે રૂ. 192 કરોડના ખર્ચે નવી જેટી સરકારે મંજૂર
કરી છે. મોરબી ઉદ્યોગની સાથે જ મેડિકલ ક્ષેત્રમાં પણ આગળ વધે, મોરબીના યુવાઓને ઘર આંગણે
મેડિકલ શિક્ષણ મળે અને જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળે તે માટે રૂ.
498 કરોડના ખર્ચે મેડિકલ કોલેજનું કામ અંતિમ તબક્કામાં છે.
મુખ્યમંત્રીએ
મોરબીને ઐતિહાસિક શહેર ગણાવીને જણાવ્યું કે, વડાપ્રધાનએ આપેલા ’વિકાસ ભી વિરાસત ભી’
મંત્રને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે મોરબીની ઐતિહાસિક એલ.ઈ. કોલેજના હેરિટેજ રિસ્ટોરેશન
સાથે રાજાશાહી સમયના રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ
માટે અને જનજનની સુખાકારી માટે વડાપ્રધાનના દિશાદર્શનમાં સરકાર અવિરત પ્રતિબદ્ધ છે
તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ કેસરીદેવાસિંહજીએ જણાવ્યું
હતું કે, વડાપ્રધાનના વિઝનથી અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં મોરબી સહિત ગુજરાતભરમાં
અનેક વિકાસકાર્યો સંપન્ન થયા છે. મોરબી આજે વૈશ્વિકકક્ષાએ સિરામિક હબ બનીને દેશના વિકાસમાં
ભાગીદાર બની રહ્યું છે આ વાતની ખુશી સાંસદએ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, દુર્લભજીભાઇ
દેથરીયા, જીતુભાઇ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ
અધિકારી જે.એસ.પ્રજાપતિ, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક
રાહુલ ત્રિપાઠી, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ
કવાડિયા અને બ્રિજેશભાઈ મેરજા, મહિલા ડેરીના ચેરમેન સંગીતાબેન કગથરા મોરબી જિલ્લા ભાજપ
પ્રમુખ, જયંતિભાઇ રાજકોટીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીના
હસ્તે લોકાર્પિત- ખાતમૂહુર્ત થયેલા વિકાસકામો
માર્ગ
અને મકાન સ્ટેટ હસ્તક રૂ. 55.67 કરોડના ખર્ચે રવાપર ઘુનડા, સજનપર રોડના વાઇડનીંગ કામનું
ખાતમૂહુર્ત, માર્ગ અને મકાન પંચાયત હસ્તક રૂ. 35 કરોડના ખર્ચે એન.એચ. થી લખધીરપુર,
કાલિકાનગર, નીચી માંડલ રોડના વાઇડનીંગ કામનું ખાતમૂહુર્ત, રૂ. 20 કરોડના ખર્ચે મોરબીના
લાલપરથી વીરપર રોડના નોન પ્લાન કાચાથી પાકા રોડના કામનું ખાતમૂહુર્ત, માર્ગ અને મકાન
સ્ટેટ હસ્તક રૂ. 8.50 કરોડના ખર્ચે વાંકાનેર જડેશ્વર, લજાઈ રોડના રિસર્ફેસીંગ કામનું
લોકાર્પણ તથા રૂ. 15.54 કરોડના ખર્ચે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.
(મયુર ડેરી) ના ચિલીંગ પ્લાન્ટ, હળવદનું ખાતમૂહુર્ત સહિત મોરબી તાલુકાના 18, હળવદ તાલુકાના
10, ટંકારા તાલુકાના 9, વાંકાનેર તાલુકાના 6 અને માળીયા તાલુકા 6 મળી કુલ રૂ. 187.460
કરોડના 49 વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સિરામીક
એશો. સહિતના વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત
મોરબીમાં
આજે વિકાસના કામોના ખાતમુર્હુતને લોકાર્પણ કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ
પટેલનું મોરબી સિરામીક એશો.ના પ્રમુખો હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, નવયુક્ત પ્રમુખો,
મનોજભાઈ એરવાડીયા, સંદિપભાઈ કુંડારીયા સહીત મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઉદ્યોગપતી
જયંતીભાઈ પટેલએ મોમેન્ટો આપી સન્માન કર્યુ હતું. તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાને જિલ્લા
ભાજપ ટીમે મુખ્યમંત્રીને તલવાર ભેટ આપી પાઘડી પહેરાવી સન્માન કર્યુ હતું.