સુપ્રીમનો
ચુકાદો; તાજમહેલ પાસે 454 વૃક્ષ કાપવાં બદલ 4.54 કરોડનો દંડ
નવી
દિલ્હી, તા. 26 : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં
વૃક્ષો કાપવાં એ કોઈ માનવની હત્યા કરવાથી પણ ખરાબ અપરાધ છે. આવી રીતે પર્યાવરણને નુકસાન
કરનારાઓ પર કોઈ જાતની દયા બતાવવી ન જોઈએ.
સર્વોચ્ચ
અદાલતે આગ્રામાં તાજમહેલની આસપાસ ખોટી રીતે કાપવામાં આવેલાં પ્રત્યેક વૃક્ષ માટે એક-એક
લાખ રૂપિયાનો દંડ કરવાની મંજૂરી પણ આપી હતી.સાથોસાથ દંડના આદેશને પડકારતાં કરાયેલી
અરજી પણ સુપ્રીમે રદ કરી નાખી હતી. તાજમહેલ આસપાસ 454 વૃક્ષ કપાયાં હતાં ન્યાયમૂર્તિ
અભય ઓકા અને ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિ સંબંધિત
અધિકારી કે સંસ્થાનની અનુમતી વિના અનિવાર્ય સંજોગો વિના વૃક્ષો કાપી ન શકે. હકીકતમાં,
વૃક્ષ કાપનાર વ્યક્તિએ દંડ કે કોઈ પણ કાર્યવાહી નહીં કરવાની માંગ સાથે કરેલી અરજીની
સુનાવણી સુપ્રીમે કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય સત્તાધારી સમિતિના એ અહેવાલને
સ્વીકારી લીધો હતો, જેમાં શિવશંકર અગ્રવાલે વીતેલાં વર્ષે કાપેલા 454 વૃક્ષો માટે કુલ્લ
4.54 કરોડનો દંડ કર્યો હતો.