• રવિવાર, 27 એપ્રિલ, 2025

અમેરિકાની કાગા‘રો’ળ!

રો ઉપર પ્રતિબંધની વાત કરીને ભારતને ઉશ્કેરતું અમેરિકી આયોગ

ભારતમાં અલ્પસંખ્યકો સાથે ખરાબ વ્યવહાર : રો ઉપર પણ રિપોર્ટમાં મુક્યા આરોપ : ભારતે કહ્યું, યુએસસીઆઈઆરએફને જ ચિંતાનો વિષય ઘોષિત કરવાની જરૂર

નવી દિલ્હી, તા. 26 : અમેરિકી આયોગ (યુએસસીઆઈઆરએફ)એ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા ઉપર ટિપ્પણી કરતા ભારતમાં અલ્પસંખ્યકોની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. આયોગના કહેવા પ્રમાણે ભારતમાં અલ્પસંખ્યક સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ અને ઈસાઈ સમુદાય સાથે ભેદભાવ અને  ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે. બીજી તરફ ભારત તરફથી અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા આયોગના રિપોર્ટને કડકાઈથી ફગાવવામાં આવ્યો છે અને આયોગને જ ચિંતાનો વિષય જાહેર કરી દેવું જોઈએ તેમ કહ્યું છે.

અમેરિકી આયોગે પોતાના રિપોર્ટમાં ભારતીય જાસૂસી એજન્સી રો ઉપર પ્રતિબંધ મુકવાની પણ ભલામણ કરી હતી. આયોગે કહ્યું હતું કે રો ઉપર આરોપ છે કે શિખ અલગતાવાદીઓની હત્યામાં તે સામેલ છે. અમેરિકી આયોગની આ ટિપ્પણી ભારતની આંતરીક રાજનીતિ અને સુરક્ષા સંબંધી મામલામાં દખલ કરવાની કોશિશ માનવામાં આવી છે. અમેરિકાના આ પગલા ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે અમેરિકાનો પોતાનો ઈતિહાસ પણ પ્રવાસીઓ અને અલ્પસંખ્યકોના અધિકારોના ઉલ્લંઘનથી ભર્યો પડયો છે.

બીજી તરફ અમેરિકી રિપોર્ટને ખારિજ કરતા ભારતે કહ્યું છે કે અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગને જ ચિંતાનો વિષય ઘોષિત કરવાની જરૂરીયાત છે. વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં કહ્યું છે કે લોકતંત્ર અને સહિષ્ણુતાના પ્રતિકના રૂપમાં ભારતની છબીને કમજોર કરવાની કોશિશ સફળ થવા દેવાશે નહી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના કહેવા પ્રમાણે યુએસસીઆઈઆરએફનો નવો રિપોર્ટ પક્ષપાતી અને રાજનીતિથી પ્રેરિત છે.

વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી આયોગ દ્વારા અલગ અલગ ઘટનાઓને ખોટી રીતે પ્રસ્તુત કરીને ભારતની વાઈબ્રન્ટ મલ્ટીકલ્ચરલ સોસાયટી ઉપર શંકા વ્યક્ત કરવાના એક જાણીજોઈને ઉભા કરવામાં આવેલા એજન્ડાને દર્શાવે છે. હકીકતમાં તો અમેરિકી આયોગ જ ચિંતાનો વિષય મનાવું જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક