બે માસ વિદેશમાં રહ્યો પત્ની બીમાર થતા આવ્યો’તો : 33 બેંક ખાતાની તપાસ ચાલુ
(ફૂલછાબ
ન્યૂઝ)
અમદાવાદ,
તા.18: ખ્યાતિ કાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ આખરે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ
પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ખ્યાતિ કાંડ બન્યા બાદ કાર્તિક પટેલ છેલ્લા
2 મહિનાથી ફરાર હતો અને વિદેશમાં છુપાયેલો હતો, સાથે સાથે કોર્ટે આગોતરા જામીન ફગાવી
દેતા અને તેના તમામ સાગરિતો ઝડપાઈ જતા તેની સાથે અન્ય કોઈ વિકલ્પ હતો નહી ત્યારે હવે
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેને ઝડપી પાડયો છે.
ક્રાઈમ
બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપતા કહ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શનમાં ખ્યાતિ
હોસ્પિટલની તમામ કાર્યવાહી થતી હતી. આ હોસ્પિટલમાં 3800થી વધુ દર્દીઓએ પીએમજેએવાય હેઠળ
સારવાર મેળવી છે. હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ પણ હાલમાં ચાલુ છે. કાર્તિક પટેલે
વીડિયો કેસેટ વેચવાથી કારકિર્દી શરૂ કરી હતી. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને
કાર્તિક પટેલના રિમાન્ડ દરમિયાન તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.
નોંધનીય
છે કે બીમાર પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો
હતો અને 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતાં તે દુબઈ ભાગ્યો
હતો. જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો, પરંતુ પત્નીની તબિયત બગડતાં તે દુબઈથી પાછો
ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષોનાં
મૃત્યુ બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી, જેમાં કાર્તિક
પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી ગયો હતો. આ સમયે તેની સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં
આવી હતી. ઉપરાંત, કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતોને વળતર આપવાની પ્રાથમિક તૈયારી
પણ દર્શાવવામાં આવી હતી.
કાર્તિક
પટેલે પાર્ક લેન્ડ એવન્યુ સોસાયટીના અમુક પ્લોટ ગેરકાયદે રીતે વેચવામાં આવ્યા હતા.
સાથે સાથે કાર્તિક પટેલે જૂના સભ્યોના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આચરી હતી. તો વર્ષ
2018-2019ના ઓડિટ રિપોર્ટમાં કાર્તિક પટેલના નામે 4.09 કરોડની લોન પણ હોવાની વાત સામે
આવી છે, વર્ષ 2019-2020ના ઓડિટ રિપોર્ટમાં 50 લાખની ખોટ બતાવવામાં આવી હતી, સોસાયટીના
જૂના સભ્યોએ ફરિયાદ કરતા વિગતો સામે આવી છે. મૂળ મંડળીનો સભ્ય ન હોવા છતા કાર્તિક પટેલે
લોન લીધી હતી અને ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારે તપાસના પણ આદેશ આપ્યા હતા તો યોગ્ય તપાસ
ન થતાં સોસાયટીના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં તમામ લોકોને પ્રેશર
આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ હતો.
ચેરમેન, ડાયરેક્ટરની માટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કાટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ
કરતો હતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો. ખ્યાતી
હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટરના નાણાકીય વ્યવહાર લઈને આર્થિક વ્યવહારમાં ગુનાઇત
કાવતરાનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ છે. કાર્તિક પટેલ સામે નાણાકીય વ્યવહારના દસ્તાવેજ
જપ્ત કરવાના હોવાથી જામીન ન આપી શકાય તેવી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને વિનંતી પણ કરી છે.
મુખ્ય આરોપી કાર્તિક પટેલ નાણાકીય વ્યવહારનો લાભ અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા પ્લાનિંગ
કરતો હતો. આ સાથે જ કોર્ટમાં કરેલા એફિડેવિટમાં ક્રાઈમ બ્રાન્ચે અનેક મુદ્દાઓ રજૂ કર્યા
છે. આ સાથે જ 7 સાક્ષીઓના નિવેદન લેવા માટે કલમ 183 મુજબ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં
અરજી કરી હતી.