પરિસરમાં અંધાધૂંધ ગોળીબાર, એક જજને ઈજા : આતંકવાદી હુમલો ગણાવાયો, હુમલાખોરનો આપઘાત : મૃતક જજોએ સંભળાવી’તી સૌથી વધુ ફાંસી
તહેરાન,
તા.18 : ઈરાન એક મોટા આતંકવાદી હુમલાથી હચમચી ઉઠયું છે. દેશની સુપ્રીમ કોર્ટમાં આતંકવાદીઓએ
હુમલો કર્યો છે અને બે જજની ગોળીમારીને હત્યા કરી છે. સુપ્રીમ કોર્ટના પ્રવક્તા અસગર
જહાંગીરે દાવો કર્યો કે જજોને તેમના રૂમની અંદર ઘૂસીને ગોળી મારવામાં આવી હતી. બન્ને
જજે ફાંસીને લગતી સૌથી વધુ સજા સંભળાવી હતી જેને પગલે તેઓ હેંગમેન તરીકે ઓળખાતા હતા.
તેહરાનમાં
શનિવારે સુપ્રીમ કોર્ટને નિશાન બનાવી હુમલો કરાયો હતો. સુપ્રીમના 3 જજને નિશાન બનાવી
પરિસરમાં અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો જેમાં
બે જજ માર્યા ગયા હતા. ઈરાની મીડિયા અનુસાર બે જજના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં છે અને
એક જજ સારવાર હેઠળ છે. શિયા બહુમત ધરાવતાં ઈરાનમાં આ હુમલાને પગલે સુરક્ષા વ્યવસ્થા
સામે ગંભીર સવાલ ઉઠયા છે.
રાજધાની
તહેરાનમાં સુપ્રીમ કોર્ટની ઈમારત પર થયેલા હુમલાને ઈરાની અધિકારીઓએ આતંકી હુમલો ગણાવ્યો
છે. કથિત રૂપે સુપ્રીમના જજોને નિશાન બનાવ્યા બાદ હુમલાખોરે ખુદને ગોળી મારી આપઘાતનો
પ્રયાસ કર્યો હતો તે કસ્ટડીમાં હતો પરંતુ ગંભીર ઈજાને પગલે બાદમાં તેનું મૃત્યુ થયું
હતું. હુમલા બાદ સુપ્રીમ કોર્ટ ઈમારતની અંદર અને આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. ઈરાની
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર ત્રણ જજ ઉપર ગોળીબાર કરાયો હતો. મૃતક જજની ઓળખ જસ્ટિસ
મોહમ્મદ મોગીસેહ અને હોજાતોલેસલામ અલી રેજિની તરીકે થઈ છે. બન્ને ઈરાનના વરિષ્ઠ ન્યાયધીશ
હતા. ઈજાગ્રસ્ત ત્રીજા જજની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આતંકવાદીઓનો હુમલા પાછળનો ઈરાદો
શું હતો ? તે જાણવા તપાસ શરૂ કરાઈ છે.