• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

રાજકોટ અગ્નિકાંડ : 5000 પાનાનો દસ્તાવેજી પુરાવો કોર્ટમાં રજૂ તા.14 સુધીમાં વકીલો રોકી આરોપીઓને ચાર્જ બાબતે રજૂઆત કરવા કોર્ટની તાકીદ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.7 : રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ર7 વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા અને 1પ શખસ સામે ચાર્જશીટ તેમજ ચાર્જ ફ્રેમ થયા બાદ રાજકોટની સેશન્સ કોર્ટમાં કુલ 467 દસ્તાવેજી પુરાવા સાથે પ હજાર પાનાનો દસ્તાવેજી પુરાવો રજૂ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

આ કેસ અંગેની વિગત એવી છે કે, કાલાવડ રોડ પરના નાનામવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જતા ર7 નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા અને અન્ય વ્યક્તિઓ દાઝી જવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે તાલુકા પોલીસે ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠક્કર, જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ સહિતના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા તેમજ આ બનાવમાં મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજી સાગઠીયા, ફાયર ઓફિસર ભીખા ઠેબા, ગૌતમ જોષી, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા સહિતનાની સંડોવણી ખુલતા ધરપકડ કરી હતી અને કુલ 1પ આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. દરમિયાન આ કેસમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું અને સેશન્સ કોર્ટમાં કેસ કમીટ થયા બાદ આજરોજ સાતમી મુદત હોય સરકારપક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી.સ્પે.પી.પી. નીતેષ કથીરિયા અને ભોગ બનનાર પરિવારના પ્રદીપસિંહ ચૌહાણ તરફથી રાજકોટ બાર એસે.ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ અને અન્ય એક ભોગ બનનારના વકીલ એન.આર.જાડેજા દ્વારા 467 દસ્તાવેજો સ્વરુપી પ હજાર પાનાનો દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ ખુલ્લો મુક્યો હતો.

આ દસ્તાવેજી પુરાવામાં એફઆરઆઈ, પીએમ રિપોર્ટ, પંચનામા, એફએસએલ રિપોર્ટ, બેંકોના સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટ, હસ્તાક્ષર નિષ્ણાંતોના અભિપ્રાયો, કોર્પેરેશનની ફાઈલો, પીજીવીસીએલની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડિટેઈલ, ઈજા પામનારાઓના મેડિકલ સર્ટિફીકેટો વિગેરે રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ કેટલાક આરોપીઓએ વકીલ રોક્યા ન હોય તા.14 સુધીમાં વકીલો રોકી આરોપીઓને ચાર્જ બાબતે રજૂઆત કરવા કોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવી હતી તેમજ દસ્તાવેજી પુરાવાની નકલો કાયદાકીય જોગવાઈ મુજબ આરોપીઓને આપવાની થતી હોય જે દસ્તાવેજી પુરાવાની નકલો ડી.વી.ડી.સ્વરુપે આરોપીઓને પૂરી પાડવામાં આવેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક