પ્રેમિકાના
પતિ-ભાઈ સહિતના શખસોએ ઢીમ ઢાળી દીધું : થોડા દિવસ પહેલા મૃતક યુવાન પ્રેમિકાને ભગાડી
લાવ્યો’તો
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.7 : સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીપાત્રના ડખ્ખામાં વધુ એક વખત ડબલ મર્ડરની ઘટના બની
હતી. મૂળ જૂનાગઢ પંથકનો યુવાન પરિણીત પ્રેમિકાને ભગાડી લાવતા પ્રેમિકાના પતિ, ભાઈ સહિતના
શખસોએ પ્રેમી યુવાન અને તેના પિતાની છરી-ધોકાના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયાનો બનાવ
પોલીસમાં નોંધાતા પોલીસે હત્યારાઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, મૂળ જૂનાગઢના ગઢવાળા ગામના વતની અને હાલમાં થાનગઢ ગામે રહેતા ઘુઘાભાઈ
દાનાભાઈ બજાણિયા (ઉં.60)અને તેના પુત્ર ભાવેશ ઘુઘાભાઈ બજાણિયાની છરી-ધોકાના ઘા ઝીંકી
ઘાતકી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ અંગેની જાણ થતા
પોલીસ કાફલો દોડી ગયો હતો અને પિતા-પુત્રના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
હતા.
આ બનાવ
અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં થાનગઢમાં રામાધણીની નેસ તરીકે ઓળખાતી રુચાવટી રોડ પર
આવેલી રમેશભાઈ કોળીની વાડીએ ઘુઘાભાઈ અને પુત્ર ભાવેશ સાતેક વર્ષથી વાડી ભાગિયાથી વાવવા
રાખી હતી અને પરિવાર સાથે જ રહેતા હતા. ગતરાત્રીના ઘુસાભાઈ તથા તેની પત્ની મંજુલાબેન
વાડીમાં આવેલા છાપરાની બહાર ખાટલામાં સુતા હતા અને પુત્ર ભાવેશ અને તેની સાથે મૈત્રીકરારથી
રહેતી સંગીતા અંદર રૂમમાં સુતા હતા ત્યારે મનડાસર ગામે રહેતો સંગીતાનો પતિ દિનેશ શાપરા,
સંગીતાનો ભાઈ વરમાતર ગામે રહેતો દિનેશ સાબરિયા અને કાકા જેસાભાઈ સહિતના છરી-ધોકા સાથે
ધસી આવ્યા હતા અને ઘુઘાભાઈ અને પુત્ર ભાવેશ પર તૂટી પડયા હતા અને ઘુસાભાઈની પત્ની મંજુલાબેન
પર હુમલો કર્યો હતો અને ઘુઘાભાઈ અને પુત્ર ભાવેશની હત્યા કરી ત્રણેય ફરાર થઈ ગયા હતા. આ બનાવના પગલે
દેકારો થતા આસપાસમાંથી અન્ય લોકો દોડી આવ્યા
હતા અને પોલીસને જાણ કર્યા બાદ મૃતદેહો હોસ્પિટલમાં ખસેડયા હતા.
પોલીસની
વધુ તપાસમાં મૃતક ભાવેશને સાતેક વર્ષથી થાનની બાજુમાં આવેલા વરમાતર ગામના દિનેશ સાબરિયાની
બહેન સંગીતા સાથે પ્રેમસંબંધ હતો. જે સંગીતાના પરિવારને મંજૂર નહોતો. દરમિયાન ગત ફેબ્રુઆરીમાં
સંગીતાના મનડાસર ગામના દિનેશ શાપરા સાથે લગ્ન થઈ ગયા હતા. આમ છતાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ
ચાલુ રહ્યો હતો અને બાદમાં પાંચેક માસ પહેલા ભાવેશ પ્રેમિકા સંગીતાને ભગાડી લાવ્યો
હતો અને બન્ને મેત્રીકરારથી સાથે રહેતા હતા. આ અંગેની પોલીસને સંગીતાના પરિવારે જાણ
કરતા બન્ને પોલીસ સમક્ષ હાજર થયા હતા અને સમાધાન થયું હતું અને ગતરાત્રીના ખૂની ખેલ
ખેલાયો હતો.
આ બનાવ
અંગે પોલીસે મૃતક ભાવેશના ભાઈ વિજય ઘુઘાભાઈ બજાણિયાની ફરિયાદ પરથી હત્યારા દિનેશ શાપરા,
સંગીતાના ભાઈ દિનેશ સાબરિયા અને કાકા જેઠા વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધી ઝડપી લેવા
ચક્રો ગતિમાન કર્યા હતા.