વિદેશમંત્રી
જયશંકરની પત્રકાર પરિષદનું પ્રસારણ કરનાર ચેનલનું
સોશિયલ મીડિયા એકાઉન્ટ કર્યુ બ્લોક : ભારતે કાઢી ઝાટકણી
કેનેડામાં
ભારતના રાજદ્વારી કેમ્પ રદ
નવી
દિલ્હી, તા. 7: કેનેડામાં હિંદુઓ અને મંદિરોને નિશાન બનાવતા હુમલા તો અટક્યા નથી પણ
આડોડાઈ ઉપર ઉતરી આવેલા કેનેડાની સરકારનાં વધુ એક પગલાએ તેનાં ભારત વિરોધી દંભને ઉઘાડો
પાડી દીધો છે. આ વખતે કેનેડાએ ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરની એક પત્રકાર પરિષદનું
પ્રસારણ કરનાર ઓસ્ટ્રેલિયન મીડિયા સંસ્થા ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ ના સોશિયલ મીડિયા એકાઉન્ટને
બ્લોક કરી દીધું છે. ભારતે કેનેડાની આ કાર્યવાહીને અભિવ્યક્તિની આઝાદીનાં નામે પાખંડ
અને બેવડા ધોરણ ગણાવીને વખોડી કાઢી છે. બીજી તરફ કેનેડાએ સુરક્ષા વ્યવસ્થા આપવાનો ઈન્કાર
કરતાં ભારતીય સમુદાયની સુરક્ષાને પ્રાધાન્ય
આપતાં ભારતે તેના રાજદ્વારી કેમ્પ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
વિદેશમંત્રી
એસ.જયશંકર અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગની સંયુક્ત પત્રકાર પરિષદના કલાકો
બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં જયશંકરે કેનેડા દ્વારા પુરાવા
વિના ભારત પર આરોપ મૂકવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,
જયશંકરની પત્રકાર પરિષદ પછી તરત જ કેનેડાએ ઓસ્ટ્રેલિયન ચેનલ પર પ્રતિબંધ મૂક્યો હતો.
વિદેશ
મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઓસ્ટ્રેલિયા ટુડેને પ્રતિબંધિત કરવાના કેનેડિયન
સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું
હતું કે, અમને આ વિચિત્ર લાગે છે. આ ફરી એકવાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના
દંભને ઉજાગર કરે છે. વિદેશ મંત્રીએ તેમના મીડિયા કાર્યક્રમોમાં ત્રણ બાબતો વિશે વાત
કરી હતી. પ્રથમ, કેનેડા વતી કોઈ ચોક્કસ પુરાવા વિના આક્ષેપો કરવા. બીજું, કેનેડામાં
ભારતીય રાજદ્વારીઓની અસ્વીકાર્ય પહેરેદારી. ત્રીજું, કેનેડામાં ભારત વિરોધી તત્વોને
રાજકીય આશ્રય આપવો. આનાં પરથી તારણ કાઢી શકાય કે ઓસ્ટ્રેલિયા ટુડે ચેનલને કેનેડા દ્વારા
શા માટે અવરોધિત કરવામાં આવી હતી.
વિદેશ
મંત્રાલયે કહ્યું છે કે, આવી કાર્યવાહીઓથી ફરી એકવાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કેનેડાના
બેવડા ધોરણો ઉજાગર થઈ જાય છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે પણ કેનેડાના
આરોપોનો મુદ્દો ઉઠાવ્યો હતો કે ભારતીય રાજદ્વારીઓ શીખ નેતાઓ સામે હિંસક હુમલામાં સામેલ
હતા. વોંગે જયશંકર સાથેની પત્રકાર પરિષદમાં કહ્યું, અમે તપાસ હેઠળના આરોપો અંગે અમારી
ચિંતાઓ સ્પષ્ટ કરી દીધી છે. અમે કહ્યું છે કે અમે કેનેડાની ન્યાયિક પ્રક્રિયાને માન
આપીએ છીએ.
બીજી
તરફ કેનેડા સ્થિત રાજદ્વારી કેમ્પને ઓછામાં ઓછી સુરક્ષા દેવાનો કેનેડાએ ઈન્કાર કરતાં
ભારતે આ તમામ કેમ્પ રદ કર્યા હતા. ટોરેન્ટો સ્થિત કાઉન્સીલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ ગુરુવારે
કેમ્પ રદ કરવા બાબતે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, કેનેડાની સુરક્ષા એજન્સીઓ તરફથી
કેમ્પના આયોજકોને સુરક્ષા ઉપલબ્ધ કરવામાં અસક્ષમતા દર્શાવતાં પહેલાથી નિર્ધારિક કેમ્પ
રદ કરાયા છે.
વધુમાં
જણાવાયું હતું કે, ભવિષ્યમાં આવા કાર્યક્રમોના આયોજન સ્થાનિક સુરક્ષા એજન્સીઓના આધારે
નક્કી કરાશે. કેમ કે, ભારતીય સમુદાયની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. સુરક્ષાની
દૃષ્ટિએ ખતરો હોવાથી આવા કેમ્પ ચલાવવા ખૂબ કઠિન છે. એવામાં આ શિબિરોમાં રહેલા ભારતીય
નાગરિકોને મળનારી સેવા હાલતુરંત અટકી ગઈ છે. આ કેમ્પમાં નાગરિકોને લાઈફ સર્ટિફિકેટ
જારી કરાતા હોય છે.