કલમ
370 વાપસીની માગનું બેનર લહેરાવ્યું અને ભાજપ-એનસી ધારાસભ્યો વચ્ચે હાથોહાથની જામી,
3 ધારાસભ્યને ઈજા : સ્પીકરે કહ્યું શાંતિ રાખો, આ માછલી બજાર નથી ! : ઉમર સરકારના પ્રસ્તાવ
પર કોંગ્રેસ ઘેરાઈ
શ્રીનગર,
તા.7 : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370ની બહાલીના પ્રસ્તાવ મામલે હંગામો યથાવત છે.
ગુરુવારે ત્રીજા દિવસે વાત એટલી હદે વણસી ગઈ કે ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી, ઝપાઝપી
બાદ છુટા હાથે મારા મારી થઈ હતી જેમાં ભાજપના 3 ધારાસભ્યને ઈજા પહોંચી હતી. પ્રસ્તાવનો
વિરોધ કરી રહેલા ભાજપના ધારાસભ્યોને માર્શલોએ ગૃહમાંથી બહાર કાઢયા હતા. હંગામાથી નારાજ
સ્પીકર અબ્દુલ રહીમ રાથરે ટિપ્પણી કરી કે ‘શાંતિ રાખો, આ વિધાનસભા છે કોઈ માછલી બજાર
નથી’. કલમ 370ની વાપસીની માગ વચ્ચે રાજ્ય સરકારની સહયોગી કોંગ્રેસ આ મુદ્દે બરાબર ઘેરાઈ
છે. ભાજપે આ પ્રસ્તાવનો જોરશોરથી વિરોધ કરી કોંગ્રેસ પાસે જવાબ માગ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં
નેશનલ કોન્ફરન્સની આગેવાનીમાં ગઠબંધન સરકાર રચાયા બાદ હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું
છે. કલમ 370ની બહાલી મામલે ઉમર અબ્દુલ્લાની સરકારે પ્રસ્તાવ પસાર કર્યો છે જે મામલે
છેલ્લા 3 દિવસથી ગૃહમાં ભારે હંગામો મચી રહયો છે. ગુરુવારે સત્તાપક્ષ અને વિપક્ષના
ધારાસભ્યોએ એકબીજાના કોલર પકડીને ધક્કામુક્કી કરી હતી. હંગામા વચ્ચે ગૃહની કાર્યવાહી
પહેલા ર0 મિનિટ સુધી બાદમાં આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.
લેંગેટથી
ધારાસભ્ય ખુર્શીદ અહમદે ગૃહમાં આર્ટિકલ 370ની વાપસીનું બેનર લહેરાવ્યા બાદ મામલો બિચક્યો
હતો. ભાજપના ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો અને નારેબાજી કરી હતી. વેલમાં ધસી ગયા બેનરની
ખેંચાખેંચી શરુ થઈ દરમ્યાન નેશનલ કોન્ફરન્સ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે હાથોહાથની જામી
પડી હતી. કલમ 370ની બહાલીના પોસ્ટર ફાડવામાં આવ્યા હતા. ભાજપે કહ્યું કે કલમ 370ની
વાપસીનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે.
-------------------
કલમ
370ને ફરી બહાલ કરવાના પ્રસ્તાવને ભાજપે ગણાવ્યો બંધારણ વિરુદ્ધ
આનંદ
કે વ્યાસ
નવી
દિલ્હી, તા.7 : જમ્મુ કાશ્મીર વિધાનસભાએ વિશેષ દરજ્જાની કલમ 370ની બહાલી માટે પ્રસ્તાવ
મંજૂર કર્યો છે. નેશનલ કોન્ફ્રન્સના આ પ્રસ્તાવને પીડીપી, પીપુલ્સ કોન્ફ્રન્સ, એઆઇપી
અને સીપીએમનો ટેકો મળ્યો છે જ્યારે ભાજપે આનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્મૃતિ ઇરાણીએ
મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવો પ્રસ્તાવ રાખવો ભારતના બંધારણની વિરુધ્ધ
છે. આજે હું એ રોષની લાગણી વ્યકત કરી રહી છું જે ભારતવાસીઓમાં છે. કોંગ્રેસના નેતૃત્વ
હેઠળના ઇન્ડિ ગઠબંધને સદનમાં ભારતીય બંધારણ વિરુધ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ ભારતીય બંધારણની વિરુધ્ધ છે અને સુપ્રીમ કોર્ટની
ટકોરનું ઉલ્લંઘન છે. કોંગ્રેસની લીડરશીપમાં જે પ્રસ્તાવ આવ્યો છે એ ચિંતાજનક છે. આ
અંગે ગાંધી પરિવારે જવાબ આપવો પડશે. ગાંધી પરિવાર લોકોને જણાવે કે શુ તેઓ આતંકવાદી
સંગઠનોને સમર્થન કરે છે અને જમ્મુ કાશ્મીરના વિકાસના વિરોધમાં છે ? શુ તેઓ બંધારણની
તરફેણમાં નથી ?
ભાજપની
પૂર્વ સાંસદ સ્મૃતિ ઇરાણીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ જમ્મુ કાશ્મીરમાં વસતા દલિતો,
અ દિવાસીઓ, બાળકો અને મહિલાઓની વિરુધ્ધ છે. કોંગ્રેસ નેતૃત્વએ આ અંગે પોતાની પ્રતિક્રિયા
આપવી જોઇએ. સ્મૃતિ ઇરાણીએ જણાવ્યું હતું કે અમે ભારતીય નાગરિકોની લડાઇ હવે ભાજપ લડશે.
કલમ 370 ફરી લાગુ નહીં થાય. જમ્મુ કાશ્મીરને ભારત દેશથી અલગ કરવાના પ્રયાસો કયારેય
સફળ નહીં થવા દઇએ. આ પ્રસ્તાવ મંજૂર કરાવીને કોંગ્રેસ ગઠબંધન ફરી એકવાર જમ્મુ કાશ્મીરની
તિજોરી ખાલી કરવા માગે છે.
નોંધનીય
છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કલમ 370ની માગને લઇને હંગામો સતત બે દિવસથી થઇ રહ્યો
છે. એક તરફ પીડીપી આક્રમક છે તો નેશનલ કોન્ફ્રન્સ અને કોંગ્રેસે આ પ્રસ્તાવને ટેકો
આપ્યો છે જ્યારે ભાજપે આ પ્રસ્તાવનો તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. ગુરુવારે થયેલા હંગામામાં
ત્રણ વિધાનસભ્યો ઇજાગ્રસ્ત થયા છે.