• શુક્રવાર, 08 નવેમ્બર, 2024

દક્ષિણ ચીન સાગરમાં શાંતિ જરૂરી : મોદીની ચીનને ચેતવણી

સમસ્યાનું સમાધાન યુદ્ધના મેદાનમાંથી નહીં નીકળે : આસિયાનમાં મોદીનું યુરેશિયા અને પશ્ચિમ એશિયામાં શાંતિ માટે આહ્વાન

 

વિએતિયાન, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના અલગ અલગ હિસ્સામાં જારી સંઘર્ષનો સૌથી વધારે પ્રભાવ ગ્લોબલ સાઉથ ઉપર પડતો હોવાનો ઉલ્લેખ કરીને શુક્રવારે યુરેશિયા અને પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવાનું આહવાન કર્યું હતું. મોદીએ 19મા પૂર્વી એશિયા શિખર સંમેલનમાં સંબોધન કરતા કહ્યું હતું કે સમસ્યાનું સમાધાન યુદ્ધના મેદાનથી નીકળી શકશે નહીં. સ્વતંત્ર, મુક્ત, સમાવેશી, સમૃદ્ધ અને નિયમ આધારિત હિંદ પ્રશાંત પુરા ક્ષેત્રમાં શાંતિ અને પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ છે. મોદીએ કહ્યું હતું કે ભારતે હંમેશાં આસિયાનની એકતા અને કેન્દ્રીયતાનું સમર્થન કર્યું છે. આસિયાન ભારતના ઈન્ડો પેસિફિક વિઝન અને ક્વાડ સહયોગના કેન્દ્રમાં પણ છે. મોદીએ કહ્યું હતું કે તેઓ બુદ્ધની ધરતીથી આવે છે અને તેઓએ વારંવાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી.

મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, દક્ષિણ ચીન સાગરમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પુરા હિંદ પ્રશાંત ક્ષેત્રના હિતમાં છે. તેઓનું માનવું છે કે સમુદ્રી ગતિવિધીઓ સંયુક્ત રાષ્ટ્ર સમુદ્રી કાનૂન સંધિ હેઠળ સંચાલિત થવી જોઈએ. નૌવહન અને વાયુક્ષેત્રની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જરૂરી છે. આ માટે એક મજબૂત અને પ્રભાવી આચારસંહિતા બનવી જોઈએ અને તેનાથી ક્ષેત્રી દેશોની વિદેશ નીતિ ઉપર કોઈ અંકુશ પણ ન લાગવો જોઈએ.  મોદીએ નામ લીધા વિના સરહદના વિસ્તાર માટે લાગેલા ચીન ઉપર પણ  નિશાન તાક્યું હતું. મોદીએ કહ્યું હતું કે દૃષ્ટિકોણ વિકાસવાદનો હોવો જોઈએ, વિસ્તારવાદનો નહીં. વિશ્વના વિભિન્ન ભાગમાં ચાલી રહેલા સંઘર્ષનો સૌથી વધારે નકારાત્મક પ્રભાવ ગ્લોબલ સાઉથના દેશો ઉપર પડી રહ્યો છે. મોદીએ કહ્યું હતું કે સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સમ્માન જરૂરી છે. માનવીય દૃષ્ટિકોણ રાખતા વાતચીત અને કુટનીતિને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું હતું કે વિશ્વબંધુની જવાબદારી નિભાવતા ભારત આ દિશમાં દરેક સંભવ યોગદાન આપતું રહેશે. મોદીએ આ દરમિયાન તોફાન યાગીથી પ્રભાવિત લોકો અંગે પણ સંવેદના વ્યક્ત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક