• રવિવાર, 13 ઑક્ટોબર, 2024

‘એક દેશ, એક ચૂંટણી’ને કેન્દ્રીય કેબિનેટની મહોર

કોવિંદ સમિતિના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી : રિપોર્ટ મુજબ ગુજરાત સહિત અમુક રાજ્યના ચૂંટણી કેલેન્ડર બદલાઈ શકે, સંસદના શિયાળુ સત્રમાં વિધેયક લવાય તેવી સંભાવના

ક્ષ          આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા.18 : એક દેશ, એક ચૂંટણી (વન નેશન, વન ઈલેકશન)ની દિશામાં આગેકૂચ કરતા કોવિંદ સમિતિના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી છે. સંસદના આગામી શિયાળુ સત્રમાં આ ખરડો રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી બાદ માનવામા આવે છે કે અમુક રાજ્યની ચૂંટણીના કેલેન્ડર બદલાશે. ગુજરાતમાં એક વર્ષ વહેલી ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાની દિશામાં કેન્દ્રની મોદી સરકારે આગેકૂચ કરી છે. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે બુધવારે આ અંગેના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ વર્ષ ર014માં વન નેશન, વન ઈલેકશનનું વચન આપ્યુ હતુ. ઉપરાંત 1પ ઓગષ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાન મોદીએ વન નેશન, વન ઈલેક્શનની તરફેણ કરી હતી. તેમણે કહ્યું હતું કે વારંવાર ચૂંટણી દેશની પ્રગતિમાં અવરોધ ઉભો કરી રહી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 6 મહિના પહેલા વન નેશન, વન ઈલેક્શન અંગે રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. સમિતિ અનુસાર એક સાથે ચૂંટણીઓ કરાવવાને કારણે  સંશાધનોની બચત થશે. વિકાસ અને સામાજિક સામંજસ્યને પ્રોત્સાહન મળશે. લોકતાંત્રિક માળખાનો પાયો વધુ મજબૂત બનશે. દેશની આકાંક્ષઓને સાકાર કરવામાં મદદ મળશે. દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાથી કરોડો રૂપિયાના ખર્ચમાં બચત થશે, સતત યોજાતી ચૂંટણીઓથી છૂટકારો મળશે, ચૂંટણીને બદલે વિકાસ પર ફોકસ કરી શકાશે, વારંવાર લાગૂ થતી આચાર સંહિતાથી છૂટકારો મળશે, કાળા નાણાં પર રોક લગાવી શકાશે. કેબિનેટ સમક્ષ આ અંગે પ્રસ્તાવ રજૂ કરવો એ કાયદા મંત્રાલયના 100 દિવસના એજન્ડામાં સામેલ હતુ. સમિતિએ રિપોર્ટ તૈયાર કરવા 6ર રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો જેમાંથી 3રએ સમર્થન આપ્યું હતું.

સમિતિએ સૂચનો કર્યા છે કે આગામી લોકસભા ચૂંટણી સુધી એટલે કે ર0ર9 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવામાં આવે, ત્રિશંકુની સ્થિતિમાં તથા અવિશ્વાસની દરખાસ્તની સ્થિતિમાં પ વર્ષની મુદત માટે નવસેરથી ચૂંટણી યોજવામાં આવી શકે છે,  પહેલા તબક્કામાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી તથા બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે. ચૂંટણી પંચ એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરાવશે. પ્રસ્તાવિત સુધારા વધારા માટે કાયદા મંત્રાલયને ઓછામાં ઓછા અડધા રાજ્યોના સમર્થનની જરૂર પડશે. કાયદા મંત્રાલય તમામ ત્રણ સ્તર લોકસભા, રાજય વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓને ર0ર9માં એક સાથે કરાવવાની ભલામણ કરી શકે છે.

એક દેશ, એક ચૂંટણીનો બે તબક્કામાં અમલ

અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે એક દેશ એક ચૂંટણીનો અમલ બે તબક્કામાં કરાશે. પહેલા તબક્કામાં દેશમાં એક સાથે જ લોકસભા અને બધા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવાશે, બીજા તબક્કામાં દેશભરમાં એક સાથે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત, તેમ જ પાલિકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવાશે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના વડપણ હેઠળની સમિતિએ આ પ્રસ્તાવના એક-એક મુદાની ઊંડાણથી વિચારણા કરી છે તેમ જ નિષ્ણાતોના અભિપ્રાય લઇને સ્પષ્ટ વિચારો રાખ્યા છે. લાંબા ગાળે આનાથી દેશની લોકશાહી અને રાષ્ટ્રને શું અસર થઇ શકે એ જાણવા સર્વાનુમત લેવામાં આવશે અને આ મુદો એવો છે જેનાથી દેશ મજબૂત થશે, એવું સરકારનું સ્પષ્ટ માનવું છે.

ખેડૂતોને 24,475 કરોડની સબસિડી,  ચંદ્રયાન-4 વિસ્તારવા 2104 કરોડ

નવી દિલ્હી, તા.18 : બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે રૂ.ર4,47પ કરોડની સબસિડીને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે જણાવ્યું કે ખેડૂતોને લાભ પહોંચાડવા એક પછી એક યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. એનપીકેના ખેડૂતો માટે રૂ.ર4,4પ7 કરોડની સબસીડી ફાળવવા મંજૂરી અપાઈ હતી. આ સિવાય ચંદ્રયાન-4 મિશનમાં હજુ વધુ તત્ત્વોને જોડવા વિસ્તારિત કરી ર104 કરોડના ખર્ચને મંજૂરી અપાઈ છે. આગળનું પગલું ચંદ્ર પર માનવને મોકલવાનું છે. જે માટે આરંભિક પગલાંઓને મંજૂરી અપાઈ છે. વીનસ ઓર્બિટર મિશન, ગગનયાન ફોલોઓન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન તથા આગામી પેઢીના લોન્ચિંગ વ્હીકલના વિકાસને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં ખેડૂતોની મદદ માટે પીએમ અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત 3પ,000 કરોડ અને પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન હેઠળ આદિવાસી કલ્યાણ માટે 79,1પ6 કરોડની ફાળવણી મંજૂર કરાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં આડાસંબંધમાં છરીના ઘા ઝીંકી ઉદ્યોગપતિની હત્યા કરનાર સગીર ઝડપાયો October 13, Sun, 2024