રૂખડિયાપરામાંથી
બોલેરો કારમા ગણપતિ વિસર્જન કરવા ગયા બાદ ઘટી ઘટના : બે સારવારમાં
રાજકોટ,
તા.17 : રાજકોટ સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી બાદ આજે વિધ્નહર્તાને
વિદાય આપવામાં આવી હતી.જેમાં રાજકોટમાં અલગ-અલગ 8 જેટલા સ્થળો પર ગણેશ વિસર્જનની વ્યવસ્થા
કરવામાં આવી હતી.દરમિયાન રાજકોટની ભાગોળે ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે વિસર્જન વેળાએ
ચાર યુવાન ડૂબી જવાની ઘટના સામે આવી હતી.જેમાંથી એકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે
અન્ય બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગણપતિ
મહોત્સવને લઈને વિસર્જન સમયે કોઈ અઘટિત ઘટના ન બને તે 1500થી વધુ પોલીસ કર્મીને તૈનાત
કરવામાં આવ્યા હતા તેમ છતાં રાજકોટમાં રૂખડિયાપરા વિસ્તારમાં સેન્ટ્રલ જેલ પાછળ આવેલા
મહાકાળી માતાજીના મંદિર પાસે ગણેશ મહોત્સવના યુવાનો બોલેરો કાર લઇ ત્રંબા ખાતે આવેલ
ત્રિવેણી સંગમ નદીમાં ગણપતિનું વિસર્જન કરવા માટે ગયા હતા તે દરમિયાન રૂખડિયાપરાના
લકી અશોક મકવાણા (ઉં.વ.14), રાહુલ પ્રવિણ રાઠોડ (ઉં.વ.15) અને સુરજ મિતરભાઈ જાટ (ઉં.વ.19)
સહિત ચાર લોકો પાણીમાં ડૂબ્યા હતા. ગણેશ વિસર્જનમાં સાથે ગયેલા લોકો અને ગ્રામજનોએ
ડૂબેલા ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં લકી મકવાણા, રાહુલ રાઠોડ અને સુરજ જાટને
બેશુદ્ધ હાલતમાં 108 મારફતે સારવાર માટે સિવિલ
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે લકી મકવાણાને જોઈ તપાસી નિપ્રાણ
જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતા
આજીડેમ પોલીસ મથકના એએસઆઇ ધનરાજાસિંહ જાડેજા અને રાઇટર જયપાલભાઈ વાટુકિયા તાત્કાલિક
સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં
રાજકોટ ગ્રામ્ય મામલતદાર પણ ત્રંબા ખાતે દોડી આવ્યા હતા અને ઘટના બાબતે આગળ કાર્યવાહી
હાથ ધરવામાં આવી છે.