વિધાયક
દળની બેઠકમાં નિર્ણય : સપ્તાહમાં શપથવિધિ, આતિશીએ કેજરીવાલને ગણાવ્યા દિલ્હીના એક માત્ર
સીએમ, ભાજપે કહ્યું ચહેરો બદલાયો ચરિત્ર નહીં : આપે માગ્યું માલિવાલનું રાજીનામું
નવી
દિલ્હી, તા.17 : દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારમાં આતિશી માર્લેના નવા મુખ્યમંત્રી
બનવા જઈ રહ્યા છે. મંગળવારે પાર્ટીની વિધાયક દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે પાર્ટીના
વિશ્વાસુ મહિલા નેતા આતિશીના નામનો પ્રસ્તાવ
મૂકયો હતો. 30 મિનિટની બેઠક બાદ ગોપાલ રાયે આતિશીનું મુખ્યમંત્રી પદ માટે નામ જાહેર
કર્યુ હતું.
કેજરીવાલ
અને સિસોદીયાના ખાસ વિશ્વાસુ આતિશીએ પોતાનું નામ જાહેર થયા બાદ કહ્યું કે દિલ્હીના
મુખ્યમંત્રી એક માત્ર અરવિંદ કેજરીવાલ રહેશે. મારું ધ્યેય તેમને ફરી મુખ્યમંત્રી બનાવવાનું
છે ત્યાં સુધી હું દિલ્હીની રક્ષા કરીશ. તેમણે પાર્ટી કાર્યકરો અને શુભેચ્છકોને પોતાને
શુભેચ્છા ન પાઠવવા અને ફૂલહાર ન કરવા અપીલ કરી હતી. આ પહેલા ગત રવિવારે મુખ્યમંત્રી
કેજરીવાલે જેલમાંથી જામીન મુક્ત થયા બાદ પાર્ટી કાર્યકરોને સંબોધતાં પોતે બે દિવસમાં
રાજીનામું આપશે તેવું એલાન કર્યુ હતું. વિધાયક દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી
થયા બાદ સાંજે કેજરીવાલ દિલ્હીના લેફટનન્ટ ગર્વનર વિનય સકસેનાને મળવા દોડી ગયા હતા
અને રાજીનામું સોંપ્યું હતુ. દરમિયાન આતિશી સહિત આખી કેબિનેટ સાથે હતી. આતિશીએ નવી
સરકાર રચવા દાવો કર્યો છે અને નવા મુખ્યમંત્રી અને નવી કેબિનેટની શપથવિધિ એકાદ સપ્તાહમાં
યોજાશે. ર6 અને ર7મીએ વિધાનસભાનું બે દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે. કેજરીવાલના
નિવાસ સ્થાને યોજાયેલી વિધાયક દળની બેઠકમાં મંત્રી સહિત પ7 ધારાસભ્ય હાજર હતા. એક ધારાસભ્ય
સત્યેન્દ્ર જૈન જેલમાં છે અને અન્ય બે ભાજપમાં સામેલ થયા છે. એક ધારાસભ્ય કોંગ્રેસમાં
જોડાયા છે.
દરમિયાન
વાદ-વિવાદ અને નિંદાના દોર વચ્ચે આમ આદમી પાર્ટીએ સ્વાતિ માલિવાલનું રાજ્યસભાના સાંસદ
પદેથી રાજીનામું માગ્યું હતું. આપ નેતા દિલીપ પાંડેએ કહયુ કે સ્વાતિ માલિવાલ એવા વ્યક્તિ
છે જે રાજ્યસભાની ટિકિટ તો આપ પાસેથી લે છે અને પ્રતિક્રિયા આપવાની ક્રિપ્ટ ભાજપા પાસેથી
લે છે. તેમનામાં થોડી પણ શરમ બાકી રહી હોય તો રાજીનામું આપે. મુખ્યમંત્રી પદે આતિશીનું
નામ જાહેર થયા બાદ માલિવાલે એકસ પોસ્ટ પર લખ્યું હતું કે આતિશી માર્લેના ડમી સીએમ છે,
તેમ છતાં આ દેશની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. ભગવાન દિલ્હીની રક્ષા કરે ! સાથે
કહ્યું કે તેમના માતા-પિતાએ અફઝલ ગુરુને બચાવવાની તરફેણ કરી હતી. દિલ્હી ભાજપના પ્રમુખ
વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે આતિશીને મજબૂરીમાં મુખ્યમંત્રી બનાવ્યા
છે. સિસોદિયાના દબાણમાં તેમને મંત્રી બનાવાયા અને હવે સિસોદિયાના દબાણથી જ મુખ્યમંત્રી
જાહેર કરાયા છે. ચહેરો બદલાયો છે પરંતુ આમ આદમી પાર્ટીનું ચરિત્ર નહીં.