• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કસૂરવાનોને સજા ન થાય ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ રહેશે: મેવાણી

‘ગેમઝોન અગ્નિકાંડ’, ‘હરણીકાંડ’, ‘તક્ષશીલા કાંડ’ અને ‘ઝૂલતા પુલ’ દુર્ઘટનાના પીડિતોને ન્યાય આપવા કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ

મોરબી તા. 9 : ગુજરાત રાજ્યના વિવિધ શહેરમાં છેલ્લા વર્ષોમાં સર્જાયેલી દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવાના હેતુથી આજે ક્રાંતિ દિવસે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ‘ન્યાય યાત્રા’ શરુ કરવામાં આવી હતી જે ન્યાય યાત્રા મોરબીથી પ્રસ્થાન કરવામા આવી છે અને ગાંધીનગર સુધી પહોંચશે. જ્યાં સુધી કસૂરવાનોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ રહેશે તેવું આજરોજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું.  

મેવાણીએ ઉમેર્યુ હતું કે, ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ, રાજકોટમાં ગેમઝોન દુર્ઘટના, વડોદરામાં હરણીકાંડ અને સુરતમાં તક્ષશિલા કાંડ સહિતની દુર્ઘટનાના પીડિતો ન્યાય માટે ઝંખી રહ્યા છે પરંતુ તેમને ન્યાય મળતો નથી જેથી ગુજરાતના ભાજપ નેતા અને અધિકારીઓની મિલીભગત આ દુર્ઘટના માટે જવાબદાર હોવાનું જણાવીને નેતાઓ અને અધિકારીઓને જેલના સળિયા પાછળ ના ધકેલે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ સેવાદળના લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજે ક્રાંતિ દિવસે ન્યાય યાત્રા શરુ કરી છે ભ્રષ્ટાચારી અને અન્યાયી શાસન વ્યવસ્થા સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ ભાજપ નેતા અને અધિકારીઓ લોકોનું શોષણ કરી રહ્યા છે અને કોંગ્રેસ અવાજ ઉઠાવે તો ગુજરાતનું વાતાવરણ ડહોળવાની વાતો ભાજપ નેતા કરી રહ્યા છે ભાજપ નેતાને જનતાની પીડા નથી દેખાતી, અન્યાય નથી દેખાતો પરંતુ કોઈ અવાજ ઉઠાવે તો વાતાવરણ ડહોળાઈ જશે તેવી વાતો કરે છે જેને વખોડી કાઢી નિંદા કરી હતી.

દરમિયાન કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, અમિત ચાવડા, વિમલ ચુડાસમા તેમજ પ્રગતિ આહીર, પાલભાઈ આંબલીયા અને જેનીબેન ઠુંમર તેમજ લાલજી દેસાઈ સહિતના નેતાઓ જોડાયા હતાં મોરબીના દરબારગઢ ખાતેથી ન્યાય યાત્રા શરુ કરવામાં આવી હતી જે મોરબી શનાળા પહોંચી હતી જ્યાં શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજે મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા તા.10મીએ ટંકારા પહોંચશે અને ત્યાંથી રતનપર પહોંચી રાત્રી રોકાણ કરશે. રતનપરમાં રોકાણ બાદ રાજકોટ તરફ પ્રયાણ કરશે અને 11મીએ રાજકોટ પહોંચશે. રાજકોટમાં રાત્રી રોકાણ કર્યા બાદ 12મીએ શહેરના વિવિધ વિસ્તારમાં ન્યાય યાત્રા પહોંચશે. ટીઆરપી ગેમઝોન ખાતે સંવેદના સભા થશે અને ત્યારબાદ બેટી કુવાડવા પહોંચશે. કુવાડવાથી ચોટીલા, મૂળી, સુરેન્દ્રનગર, વિરમગામ, છારોડી, ચાંદખેડા થઈને તા.23મીએ ગાંધીનગર પહોંચશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક