• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

રાજકોટમાં છવાશે રાષ્ટ્રરંગ: આજે નડ્ડા, ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા

યાત્રામાં કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સઘવી, મંત્રી ભાનુબેન બાબરિયા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે

રાજકોટ, તા. 9 : સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા રાજ્યભરમાં યોજાનારા ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત તેમજ રાષ્ટ્રધ્વજના સન્માનમાં આગામી આવતીકાલથી રાજ્યવ્યાપી તિરંગા યાત્રા શરૂ થવા જઈ રહી છે જેનો પ્રારંભ રાજકોટ શહેરથી થશે. યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વગેરે જોડાશે.

તિરંગા યાત્રા અંગે વધુ માહિતી આપતા આજરોજ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં રાજકોટનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે એટલે તિરંગા યાત્રાની શરૂઆત રાજકોટથી જ કરવામાં આવી રહી છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સઘવી, મંત્રી ભાનુબેન બાબરિયા વગેરે જોડાશે. યાત્રામાં એક લાખથી વધુ લોકો ઉમટી પડશે.

શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાએથી સવારે 9 કલાકે આ યાત્રાનો પ્રારંભ થશે જેમાં પોલીસ જવાનો, શાળા-કોલેજના બાળકો, શાળાના બેન્ડ, પોલીસ બેન્ડ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગ બોર્ડ, યુવક બોર્ડ, રમતવીરો, જિલ્લાના આઈકોનિક વ્યક્તિઓ, સાધુ સંતે ઉપરાંત 70 હજારથી વધુ શહેરીજનો જોડાશે. આ યાત્રા જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાએ પૂર્ણ થશે. દોઢ કિલોમીટરની આ યાત્રાના રૂટ ઉપર તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

તિરંગા યાત્રામાં 1 કિલોમીટરના લાંબા તિરંગા સાથે ડી.જે, નાસિક ઢોલ, રંગબેરંગી છત્રી, રાસ મંડળી, 3 કલરના ગેસ બલુન સહિત સમગ્ર રૂટ ઉપર અલગ-અલગ જગ્યાએ સ્ટેજ બનાવી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાજકોટ બાદ આગામી તા. તા.11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રા નીકળશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે. તા.12મીએ વડોદરામાં તેમજ તા.13મીએ અમદાવાદમાં તિરંગા યાત્રા નીકળશે. આ રેલીમાં વિવિધ ટેબ્લો પ્રદર્શિત કરાશે. યાત્રા દરમિયાન એસટી બસોમાં મુસાફરોને પણ તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક