ED-CBIની દલીલો ફગાવી : કોર્ટે કહ્યું,
ફરી ટ્રાયલ કોર્ટ જવા કહેવું સાપ-સીડીની ગેમ રમવા
જેવું...
નવી
દિલ્હી, તા.9 : સીબીઆઈ અને ઈડીના વિરોધ વચ્ચે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી-આમ આદમી
પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને 17 મહિને સુપ્રીમ કોર્ટે 10 લાખના બોન્ડ પર જામીન આપ્યા
છે. કોર્ટે કહ્યંy કે તેઓ 17 મહિનાથી જેલમાં છે અને હજૂ ટ્રાયલ પણ શરૂ થઈ નથી. તેઓ
ઝડપી ટ્રાયલના અધિકારથી વંચિત છે. ઈડી અને
સીબીઆઈએ દલીલ કરી હતી કે સિસોદિયાએ જામીન માટે ટ્રાયલ કોર્ટ જવું જોઈએ. જેના પર સુપ્રીમે
કહયુ કે આ રીતે તે સાપ-સીડીની ગેમ રમવા જેવું હશે જો તેમને ફરી ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ
જવાનું કહેવામાં આવે. કોઈ પણ નાગરિકને વ્યક્તિગત
સ્વતંત્રતા માટે એક ખૂણાથી બીજા ખૂણે જવા ફરજ પાડી શકાય નહીં.
દિલ્હીના
દારૂનીતિ કૌભાંડમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગના આરોપમાં જેલમાં બંધ સિસોદિયાને
સીબીઆઈ અને ઈડી બંન્નેએ નોંધેલા કેસમાં જામીન મળ્યા છે એટલે તેમની તિહાડમાંથી મુક્તિ
નિશ્ચિત થઈ છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની ખંડપીઠે સિસોદિયાને રાહત
આપતાં આદેશમાં પાસપોર્ટ જમા કરાવવા સહિત શરતોને આધીન જામીન આપ્યા છે. કોર્ટે કહયુ કે
કેસમાં લાંબા સમય સુધી મોડું થતાં સિસોદિયાના ત્વરિત સુનાવણીના અધિકારનો ભંગ થયો છે.
ત્વરિત સુનાવણીનો અધિકાર સ્વતંત્રતાના અધિકારની જ એક બાબત છે. બંધારણનો અનુચ્છેદ ર1
ગુનાની પ્રકૃતિ છતાં લાગૂ થાય છે. સમય મર્યાદામાં સુનાવણી પૂરી થવાની સંભાવના નથી અને
સુનાવણી પૂરી કરવાના ઉદેશથી તેમને જેલમાં રાખવા અનુચ્છેદ ર1નો ભંગ થશે. સિસોદિયાના
સમાજમાં ઉંડા મૂળ છે તેઓ ભાગી ન શકે. પુરાવા સાથે છેડછાડનો મામલો મહદ અંશે દસ્તાવેજો
પર આધારિત છે. જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં છેડછાડની કોઈ સંભાવના નથી.