• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

ઈમરાનના બંગલામાં બૂલડોઝર ફર્યું

પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ : કોર્ટે રવાના થયેલા ઈમરાનના કાફલાને અકસ્માત, પાછળથી બંગલામાં પોલીસ ત્રાટકી

સમર્થકો પર લાઠીચાર્જ : કોર્ટ બહાર પથ્થરમારો.. જજનો સુનાવણીનો ઈનકાર

ઈસ્લામાબાદ, તા.18 : પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં નિષ્ફળ શાહબાઝ શરીફ સરકારે તેમના બંગલામાં બૂલડોઝર ધણધણાવ્યું છે. પોલીસને અંદર ઘૂસવા રોકવામાં આવતાં બૂલડોઝરથી દરવાજો તોડી પડાયો હતો. બીજી તરફ ધરપકડ અટકાવી કોર્ટમાં સુનાવણીમાં હાજર થવા કાફલા સાથે નીકળેલા ઈમરાન ખાને પોતાની ધરપકડને કાવતરું ગણાવ્યું હતું. તેમણે સંભવિત સ્થિતિને ધ્યાને લઈ પોતાની રાજકીય પાર્ટી પીટીઆઈ (પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ) ને કાર્યરત રાખવા એક કમિટી ઘડી કાઢી છે. ભારેલા અગ્નિ વચ્ચે ઈસ્લામાબાદમાં ભારે સુરક્ષા વચ્ચે કલમ-144 લાદવામાં આવી છે. કોર્ટ બહાર પથ્થરમારો થયા બાદ આ કેસની સુનાવણી કરી રહેલા જજે કહયુ કે આવી સ્થિતીમાં સુનાવણી શકય નથી. ઈમરાન ખાન વિરુદ્ધ અનેક કેસ નોંધાયા છે જેમાં 9 કેસમાં પ્રોટેકિટવ જામીન મળ્યા છે.

આ પહેલા તોશાખાના કેસમાં વોરન્ટ ઈશ્યુ થયા બાદ ઈમરાન ખાન સુનાવણી વખતે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થયા હતા. કાફલા સાથે તેઓ રવાના થતાં જ લાહોરમાં તેમના બંગલા ખાતે પોલીસ ધસી ગઈ હતી અને પીટીઆઈ કાર્યકરો સાથે ઘર્ષણ બાદ લાઠીચાર્જ કરી ર0 જેટલા સમર્થકોને પકડયા હતા. જમાનપાર્ક સ્થિત ઈમરાન ખાનના બંગલામાં બૂલડોઝર ચલાવાયું હતું. જેના વિરોધમાં ઈમરાન ખાને ટ્વિટ કરી રોષ ઠાલવ્યો કે મારી ગેરહાજરીમાં પંજાબ પોલીસ મારા ઘરે પહોંચી છે ત્યાં મારી પત્ની એકલી છે.  અન્ય એક સંદેશામાં તેમણે આરોપ લગાવ્યો કે નવાઝ શરીફ મને જેલમાં ધકેલવા ઈચ્છે છે. તેમની ધરપકડ લંડન પ્લાનનો એક ભાગ છે. તેઓ મને ચૂંટણી લડતાં રોકવા માગે છે. કાયદ પર વિશ્વાસ રાખીને હું કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છું.

અન્ય એક ઘટનામાં ઈમરાન ખાનનો કાફલો કોર્ટમાં જઈ રહ્યો હતો ત્યારે ગંભીર અકસ્માતમાં કાફલાની 3 કારો એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી. ઘટના સ્થળે ઈમરાન ખાને મીડિયા સાથે વાત કરી સરકાર-નવાઝ શરીફ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. ઈમરાન ખાન જ્યારે કોર્ટમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના સમર્થકોએ તેમના પર ફૂલ વરસાવ્યા હતા.