• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

WPLમાં મુંબઈની પહેલી હાર: યુપીની જીત

મુંબઈએ આપેલા 128 રનના પડકારને અંતિમ ઓવરમાં પાર પાડયો

મુંબઈ, તા. 18: મહિલા પ્રીમિયર લીગના બીજા ડબલ હેડરમાં આજે યુપી વોરિયર્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં યુપીને મુંબઈ તરફથી 128 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યુપીની ટીમે આ ટાર્ગેટને 19.3 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને પાર પાડી લીધો હતો. જેમાં તહલીયા મેકગ્રાથ અને ગ્રેસ હેરિસને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ આ સાથે જ મુંબઈની ટૂર્નામેન્ટમાં પહેલી વખત હાર થઈ છે.

યુપીની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગમાં આવેલી મુંબઈની ટીમને યુપીના બોલરોએ સતત અંકુશમાં રાખી હતી. જેનાં પરિણામે સમયાંતરે વિકેટોનું પતન થતું રહ્યું હતું. મુંબઈ તરથી ઓપનર હેલી મેથ્યુસે 30 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 35 રન કર્યા હતા જ્યારે હરમનપ્રીત કૌરે 22 બોલમાં 25 તેમજ વોંગે 19 બોલમાં 32 રન કર્યા હતા. આ સિવાયત કોઈપણ ખેલાડી બે અંક સુધી પહોંચી શકી નહોતી અને 20 ઓવરમાં 127 રને મુંબઈની ટીમ ઓલઆઉટ થઈ હતી. યુપી તરફ એસ્લેસ્ટોને ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ગાયકવાડ અને દિપ્તી શર્માને બે બે વિકેટ મળી હતી.

128 રનના પડકારનો સામનો કરવા ઉતરેલી યુપીની ટીમની બે વિકેટ 21 રનના કુલ સ્કોરે પડી હતી. ત્યારબાદ 27ના સ્કોરે કિરવ નવગીરે પણ પેવેલિયન પરત ફરી હતી. બાદમાં તહલીયા મેકગ્રાથ અને ગ્રેસ હેરિસે બાજી સંભાળી હતી. જેમાં મેકગ્રાથે 25 બોલમાં 38 રન કર્યા હતા અને હેરીસે 28 બોલમાં 39 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં ચાર બોલમાં પાંચ રનની જરૂર હતી ત્યારે સોફીએ સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી દીધી હતી. પ્લેઓફમાં પહોંચવા માટે યુપીને મેચમાં જીત જરૂરી હતી.