• શનિવાર, 13 એપ્રિલ, 2024

ઘરઆંગણે ટીમ ઇન્ડિયાનો સળંગ 17મો ટેસ્ટ શ્રેણી વિજય 2012 બાદથી સરજમીં પર ભારતીય ટીમ હારી નથી

હોમ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે શ્રેણી જીતની હેટ્રિક 

રાંચી, તા.26: ટીમ ઇન્ડિયાએ ચોથા ટેસ્ટમાં ઇંગ્લેન્ડને પ વિકેટે હાર આપીને પ મેચની સિરીઝમાં 3-1ની અજેય સરસાઇ હાંસલ કરી લીધી છે. ઘરેલુ મેદાન પર પાછલા 12 વર્ષમાં ટીમ ઇન્ડિયાનો આ સતત 17મો શ્રેણી વિજય છે. હોમ ગ્રાઉન્ડ પર સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતનો રેકોર્ડ પહેલેથી જ ટીમ ઇન્ડિયાનાં નામે છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત 10 શ્રેણી જીત સાથે બીજા નંબર પર છે. ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે છેલ્લે વર્ષ 2012માં હાર સહન કરી હતી ત્યારે ઇંગ્લેન્ડે 2-1થી હાર આપી હતી. એ પછીથી ટીમ ઇન્ડિયા ઘરઆંગણે એક પણ સિરીઝ હારી નથી અને સતત 17 વખત હરીફ ટીમને પરાજીત કરી છે.

ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ભારતની આ શ્રેણી જીતની હેટ્રિક છે. 2012 બાદ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 2016-17માં 3-0, 2020-21માં 3-1થી હાર આપી હતી અને હવે 3-1ની અતૂટ સરસાઈ મેળવી લીધી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે પણ સતત ત્રણ શ્રેણી જીતી હતી જ્યારે વેસ્ટ ઇન્ડિઝ, દ. આફ્રિકા, ન્યુઝિલેન્ડ, બાંગલાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ સતત 2-2 સિરીઝ પર કબજો જમાવ્યો હતો. 1 શ્રેણી જીત અફઘાનિસ્તાન સામે હતી.

પાછલા 12 વર્ષમાં ટીમ ઇન્ડિયાનું વિદેશની ધરતી પણ શાનદાર પ્રદર્શન રહ્યંy છે. ટીમ ઇન્ડિયા ઘર બહાર 1 જાન્યુઆરી 2013 પછી 19 ટેસ્ટ શ્રેણી રમી છે. જેમાં 8માં જીત અને 8માં હાર મળી છે. 3 શ્રેણી ડ્રો રહી છે.

રાંચી ટેસ્ટ સહિત ભારતીય ટીમ કુલ પ78 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 177માં વિજય અને 178માં પરાજય મળ્યા છે. 1 મેચ ટાઇ રહયો છે. 222 મેચ ડ્રો રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ ટીમ જ એવી છે જેમના ખાતામાં હાર કરતા જીત વધુ છે. જેમાં ઓસ્ટ્રેલિયા (412 જીત-232 હાર), ઇંગ્લેન્ડ (392 જીત-322 હાર) અને પાકિસ્તાન (148 જીત-142 હાર) છે. ભારતીય ટીમ હવે ધર્મશાલા ટેસ્ટ જીતીને હાર-જીતનું ખાતું સરભર કરી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક