• શુક્રવાર, 29 માર્ચ, 2024

હેડની સદી અને સ્મિથના અણનમ 95: ભારત વિ. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જમાવટ

બન્ને વચ્ચે ચોથી વિકેટમાં 251 રનની અતૂટ ભાગીદારી: શરૂઆતની સફળતા બાદ ભારત ભીંસમાં: ઓસિ. 3 વિકેટે 327 રન

ભારત તરફથી શમી, સિરાઝ અને શાર્દુલને એક એક વિકેટ મળી

લંડન તા.7: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ધીમી શરૂઆત બાદ ટ્રેવિસ હેડની આકર્ષક સદી અને સ્ટીવન સ્મિથના અણનમ 9પ રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસની રમતના અંતે 8પ ઓવરમાં 3 વિકેટે 327 રન કર્યાં હતા. શરૂઆતની ધીમી બેટિંગ બાદ આક્રમક બેટિંગ કરીને કાંગારૂ ટીમે  ટીમ ઇન્ડિયા પર વર્ચસ્વ જમાવ્યું હતું. ડાબોડી બેટર ટ્રેવિસ હેડ ડબ્લ્યૂટીસી ફાઇનલમાં સદી કરનારો પહેલો ક્રિકેટર બન્યો હતો. તેણે પોતાની છઠ્ઠી ટેસ્ટ સદી આક્રમક અંદાજમાં 14 ચોકકા અને 1 છકકાથી 106 દડામાં પૂરી કરી હતી. બીજી તરફ સ્ટીવન સ્મિથે પણ જવાબાદરીભર્યું બેટિંગ કરીને તેની 38મી અને ભારત વિરૂધ્ધ છઠ્ઠી અર્ધસદી કરી હતી. આ બન્ને વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં 2પ1 રનનો અતૂટ ઉમેરો થયો હતો. આજની રમતના અંતે હેડ 1પ6 દડામાં 22 ચોકકા-1 છકકાથી 146 રને સ્મિથ 227 દડામાં 14 ચોકકાથી 9પ રને નોટઆઉટ રહ્યા હતા.

ચાના સમય બાદ હેડ અને સ્મિથે આક્રમક બેટિંગ કર્યું હતું. મેચની આખરી કલાકમાં ઓસ્ટ્રેલિયાના 81 ઓવરમાં 3 વિકેટે 301 રન થયા હતા.. ભારત તરફથી સિરાઝ, શમી અને શાર્દુલને 1-1 વિકેટ મળી હતી.

ટોસ જીતીને ભારતીય કપ્તાન રોહિત શર્માએ ઓવલની ગ્રીન ટોપ પિચ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પહેલા બોલિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો. રોહિતનો આ નિર્ણય શરૂઆતમાં કારગત સાબિત થયો હતો. ચોથી ઓવરમાં જ મોહમ્મદ સિરાઝ ત્રાટકયો હતો. તેણે ઉસ્માન ખ્વાઝાને ઝીરોમાં આઉટ કર્યોં હતો. વિકેટકીપર ભરતે તેનો કેચ કર્યોં હતો. આ પછી વોર્નર અને લાબુશેને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સંભાળીને બીજી વિકેટમાં 69 રનની ભાગીદારી કરી હતી. લંચની ઠીક પહેલા શાર્દુલ ઠાકુરે વોર્નરની મહત્વની વિકેટ લીધી હતી. વોર્નર 60 દડામાં 8 ચોકકાથી 43 રને આઉટ થયો હતો. લંચ સમયે ઓસ્ટ્રેલિયાને બે વિકેટે 73 રન થયા હતા.

લંચ બાદ મોહમ્મદ શમીને પહેલી સફળતા મળી હતી. તેણે લાબુશેનને 26 રને કલીન બોલ્ડ કર્યોં હતો. 76 રને ત્રીજી વિકેટ પડયા બાદ અનુભવી સ્ટીવન સ્મિથ અને ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની વહારે આવ્યા હતા. આ બન્નેએ ચાના સમય સુધીમાં વધુ નુકસાન અટકાવીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સ્થિર કરી હતી. ચાના સમયે હેડ આક્રમક 60 અને સ્મિથ 33 રને ક્રિઝ પર હતા. આથી ટી ટાઇમ પર ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 170 હતો.

ઇ-પેપરના નવા શુલ્ક