• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

ફાઇનલને લઈને ભારત દબાણમાં નહીં: દ્રવિડ

લંડન, તા.6: આ મેચની લઈને કોઈ ઉત્તેજના નથી, તે સારી વાત છે. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ફાઇનલ પહેલાની પત્રકાર પરિષદ આ શબ્દો સાથે સમાપ્ત કરી હતી. કોચનું માનવું છે કે ફાઇનલને લઈને કોઈ ‘હાઇપ’ ન હોવી ભારત માટે સારી વાત છે. 

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ઓસ્ટ્રેલિયાની ટીમ એશિઝ સિરીઝ પૂર્વેના ડબ્લ્યુટીસી ફાઇનલને એક અભ્યાસ મેચના રૂપમાં લઈ રહી છે. ક્રિકેટ વિશેષજ્ઞો અને અકરમ-શાત્રી સહિતના કેટલાક પૂર્વ ખેલાડીઓ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ફેવરિટ ગણી રહ્યા છે. જેને કોચ દ્રવિડ મહત્ત્વ આપી રહ્યા નથી.

દ્રવિડે જણાવ્યું કે કોઇ ટીમ ફેવરિટ નથી. પાંચ દિવસ જે ટીમ સારું રમશે તે વિજેતા બનશે. અમને પૂરો વિશ્વાસ છે કે અમે પાંચેય દિવસ અમારી ક્ષમતા મુજબનો દેખાવ કરશું. અમારી પાસે યોગ્યતા છે. અમારા બોલર 20 વિકેટ લઇ શકે છે અને બેટર્સ પર્યાપ્ત રન બનાવી શકે છે. ભારતીય ટીમ એ બોજ સાથે પણ ઉતરશે નહીં કે 10 સાલથી આઇસીસી ટ્રોફી જીતી નથી. અમારે પર આવું કોઈ દબાણ નથી. પાછલાં બે વર્ષની મહેનતનું આ પરિણામ છે કે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. અમે અહીં ફક્ત જીત માટે આવ્યા છીએ. ફાઇનલમાં અમે શાનદાર દેખાવ કરવામાં સફળ રહેશું તો એ સારી વાત બની રહેશે, તેમ દ્રવિડે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક