• રવિવાર, 24 મે, 2026

આઈસીસી લાવશે નવા નિયમ ઃ હેડ કોચ ઉપર થશે લાગુ

-બ્રેક દરમિયાન હેડ કોચને મેદાનમાં જવા મળશે મંજૂરી બોલિંગ એક્શનમાં પારદર્શકતા લાવવા પણ કવાયત

 

નવી દિલ્હી, તા. 23 આઈસીસી ક્રિકેટને વધારે રોમાંચક, પારદર્શક અને રણનીતિક બનાવવા માટે વર્તમાન નિયમોમાં અમુક ક્રાંતિકારી બદલાવ કરવા વિચાર કરી રહ્યું છે. આઈસીસીની આગામી બેઠક અને ચર્ચાઓમાં પ્રસ્તાવ ઉપર ધ્યાન આપવામાં આવશે તેમાં સૌથી મોટો બદલાવ હેડ કોચની ભૂમિકાને લઈને રહેશે. નવા સંશોધનો હેઠળ મેચ દરમિયાન હેડ કોચને સીધા મેદાનમાં જવાની મંજૂરી મળી શકે છે. આઈસીસી દ્વારા પ્રસ્તાવિત મોટા નિયમ રમતના ત્રણેય ફોર્મેટની સીકલ બદલી શકે છે.

વર્તમાન નિયમ અનુસાર મેચ દરમિયાન માત્ર સબસ્ટીટÎૂટ ખેલાડી ડ્રિંક્સ અને અન્ય સામાન લઈને મેદાનમાં જઈ શકે છે. જો કે નવા પ્રસ્તાવ અનુસાર ટીમના મુખ્ય કોચના બ્રેક દરમિયાન મેદાનમાં જઈને સીધા ખેલાડીઓ સાથે વાતચીત કરવાની મંજૂરી અપાશે. જો કે કોચ હજી  પણ બાઉન્ડ્રી લાઈન કે ડગઆઉટથી ખેલાડીઓને રણનીતિક સંદેશ મોકલે છે પણ મેદાનની અંદર જવાની મંજૂરીથી કેપ્ટન અને પ્રમુખ ખેલાડીઓ સાથે સીધા લાઈવ મેચની રણનીતિ ઉપર ચર્ચા કરી શકશે.

નિયમની અસર વનડે ફોર્મેટમાં વધુ જોવા મળી શકે છે. જેમાં દર ઈનિંગે 70-70 મિનિટના અંતરે બે ડ્રિંક્સ બ્રેક હોય છે. નિયમ બદલતા બન્ને બ્રેકમાં મેદાનમાં જવા મળશે. વધુમાં આઈસીસી ટી20 મેચને સમયની અંદર ખતમ કરવા પ્રતિબદ્ધ છે. માટે ટી20 મેચ દરમિયાન થતી ઈનિંગ બ્રેક ઘટાડીને 15 મિનિટ કરવા યોજના બનાવી રહ્યું છે. જેનાથી દર્શકોને વધુ વિલંબ વિના બીજી ઈનિંગનો રોમાંચ માણવા મળશે.

વધુમાં ક્રિકેટમાં ઘણી વખત બોલરના સંદિગ્ધ અથવા અવૈધ બોલિંગ એક્શનના કારણે વિવાદ થાય છે. જેની તપાસ મેચના ઘણા દિવસ બાદ આઈસીસીની લેબમાં થાય છે. જો કે હવે આઈસીસી મેચ દરમિયાન એક્શનને ટ્રેક કરશે. નવા નિયમ હેઠળ અમ્પાયરને લાઈવ મેચ દરમિયાન કોઈ બોલરની એક્શનની વૈધતા તપાસવા મટે હોક આઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો અધિકાર અપાશે. જો કોઈ બોલર પોતાની કોણીને 15 ડિગ્રીથી વધારે વાળી રહ્યો છે તો અમ્પાયર મેદાન ઉપર તપાસ કરી શકશે અને રમતમાં પારદર્શકતા વધશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક