વિજયક્રમ પર વાપસી કરવાનું SRH અને PBKSનું એકસમાન લક્ષ્ય
હૈદરાબાદ,
તા.પ: આઇપીએલ-2026 સીઝનની ટેબલ ટોપર પણ પાછલા બે મેચમાં આંચકારૂપ હાર સહન કરનાર પંજાબ
કિંગ્સનો બુધવારના મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો થશે. આ ટીમની પણ સતત પાંચ મેચની
વિજયકૂચ થંભી ગઇ છે. આથી બન્ને ટીમ માટે પ્લેઓફમાં આગળ વધવા માટે આ મેચમાં જીત હાંસલ
કરવી આવશ્યક બની છે.
સનરાઇઝર્સ
હૈદરાબાદે સીઝનની શરૂઆત સારી રીતે કરી ન હતી, પણ બાદમાં સતત પાંચ જીત મેળવી ફોર્મમાં
પરત ફરી છે. જો કે તેને પાછલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 7 વિકેટે હાર સહન
કરવી પડી હતી. એસઆરએચ હાલ પોઇન્ટ ટેબલ પર 10 મેચમાં 6 જીતથી 12 અંક સાથે ત્રીજા નંબર
પર છે. ટીમના મુખ્ય ખેલાડીઓ અભિષેક શર્મા, ઇશાન કિશન, ટ્રેવિસ હેડ અને હેનરિક કલાસેન
સારા ફોર્મમાં છે. કપ્તાન કમિન્સ વાપસી કરી ચૂકયો છે. જો કે બોલિંગ મોરચે એસઆરએચ નિરંતર
દેખાવથી દૂર છે. નવોદિત પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસેન ડેબ્યૂ મેચ પછી પ્રભાવિત કરી
શકયા નથી.
બીજી
તરફ પંજાબ કિંગ્સની શરૂઆત ધમાકેદાર રહી હતી. 7 મેચમાં 6 જીત નોંધાવી હતી અને તે પણ
સંપૂર્ણ વર્ચસ્વ સાથે. એક મેચ કેકેઆર સામે વરસાદને લીધે રદ થયો હતો. 6 વિજય પછી શ્રેયસ
અય્યરની ટીમ પર રાજસ્થાન રોયલ્સે લગામ કસી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સ સામે પણ બેટિંગના
નિસ્તેજ દેખાવથી પરાજય થયો હતો. આમ છતાં પંજાબ કિંગ્સ હાલ 13 અંક સાથે પોઇન્ટ ટેબલ
પર ટોચ પર છે. સનરાઇઝર્સ સામે પંજાબે મોટો સ્કોર કરવો પડશે કારણ કે હરીફ ટીમના પાવર
હિટર્સ બેટર્સ 230 ઉપરના સ્કોરનો પણ આસાનથી ટાર્ગેટ ચેઝ કરે છે. પંજાબને ફરી એકવાર
ઓપનિંગ જોડી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંઘ પાસે આક્રમક શરૂઆતની અને શ્રેયસ અય્યર
પાસે કેપ્ટન ઇનિંગની આશા બની રહેશે.
વર્તમાન
આઇપીએલ સીઝનમાં બન્ને ટીમ બીજીવાર ટકરાશે. પહેલા મેચમાં સનરાઇઝર્સ વિરુદ્ધ પંજાબનો
6 વિકેટે વિજય થયો હતો. હવે સનરાઇઝર્સ પણ હોમ ગ્રાઉન્ડ પર હિસાબ બરાબર કરવાનો મોકો
છે.