કોલકતા, તા.11: ભારતીય યુવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ સારી રીતે સમજે છે કે સફેદ દડાથી રમ્યા બાદ લાલ દડાના ક્રિકેટમાં સારી રીતે રમવા માટે થોડો સમય લાગે છે. આથી તેણે આફ્રિકા વિરુદ્ધ શુક્રવારથી શરૂ થતાં પહેલા ટેસ્ટ અગાઉ આજે હેડ કોચ ગૌતમ ગંભીર અને બેટિંગ કોચ સિતાંશુ કોટકના માર્ગદર્શનમાં સઘન બેટિંગ પ્રેકટીસ કરી હતી. લાલ દડાના ક્રિકેટમાં પોતાની ટેકનીકની કેટલીક ખામીઓ દૂર કરવા ગિલે નેટમાં દોઢ કલાક પરસેવો પાડયો હતો. કેપ્ટન થયા પછી શુભમન ગિલ શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. ઇંગ્લેન્ડના શાનદાર દેખાવ પછી તેણે ગયા મહિને વિન્ડિઝ સામે બે ટેસ્ટમાં એક સદી અને એક અર્ધસદી કરી હતી.
ગિલ
ઓસ્ટ્રેલિયા સામેની વન ડે અને ટી-20 શ્રેણીમાં અપેક્ષિત દેખાવ કરી શકયો ન હતો. 8 ઇનિંગમાં
તેનો ઉચ્ચત્તમ સ્કોર 46 રન રહ્યો હતો. આજે યશસ્વી જયસ્વાલ, નીતિશ રેડ્ડી, રવીન્દ્ર
જાડેજા, જસપ્રિત બુમરાહ, વોશિંગ્ટન સુંદર સહિતના અન્ય ખેલાડીઓએ સખત નેટ પ્રેક્ટિસ કરી
હતી.