પાંચમો અને અંતિમ T-20 વરસાદના કારણે ધોવાયો : શુભમન અને અભિષેકની તોફાની શરૂઆત ઉપર પાણી ફર્યું
નવી
દિલ્હી, તા. 8 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 શ્રેણીનો પાંચમો અને અંતિમ મુકાબલો
શનિવારે બ્રિસ્બેનના ગાબાના મેદાનમાં રમાયો હતો. વરસાદના કારણે મુકાબલાનું કોઈ પરિણામ
આવ્યું નહોતું. ભારતે 4.5 ઓવરમાં કોઈપણ નુકસાન વિના 52 રન કર્યા હતા. બાદમાં ભારે વરસાદ
શરૂ થયો હતો અને મેચ આગળ રમાઈ શકાયો નહોતો. મુકાબલો રદ થવાની સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા
સામે ટી20 શ્રેણી 2-1થી જીતી લીધી છે.
વરસાદના
કારણે રમત રોકવામાં આવી ત્યારે ભારતનો સ્કોર 4.5 ઓવરમાં 52 રન અને શૂન્ય વિકેટ હતો.
ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા 13 બોલમાં 23 રન અને શુભમન ગિલ 16 બોલમાં 29 રન કરીને
નોટઆઉટ રહ્યા હતા. બન્ને ટીમ વચ્ચે કેનબરા ટી20 મેચ પણ વરસાદના કારણે ધોવાયો હતો. પછી
ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ટી20 મેચ ચાર વિકેટે જીત્યો હતો. ભારતીય ટીમે જોરદાર વાપસી કરતા
હોબાર્ટ (5 વિકેટે) અને ગોલ્ડ કોસ્ટ (48 રને) ટી20મા ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી દીધું
હતું. 2008 બાદથી ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના ઘરમાં ભારત સામે ટી20 શ્રેણી જીતી શકી નથી.
ટોસ
હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને શુભમન ગિલ અને અભિષેક શર્માએ શાનદાર
શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે અર્ધસદીની ભાગીદારી થઈ હતી. અભિષેકને ચાર ઓવરમાં બે જીવનદાન
મળ્યા હતા જ્યારે શુભમન ગિલ શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો. જો કે અંતે વરસાદે મેચ
ઉપર પાણી ફેરવી દીધું હતું.
આ મુકાબલા
માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં મિડલ ઓર્ડર
બેટ્સમેન રિંકૂ સિંહ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યારે તિલક વર્માને રેસ્ટ અપાયો
હતો. બીજી તરફ મેજબાન ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ
ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.
ભારત
અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં ટી20 ક્રિકેટમાં કુલ 37 મુકાબલા રમાયા છે. આ દરમિયાન
ભારતીય ટીમે 22 મેચમાં જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને માત્ર 12 મુકાબલામાં
જીત મળી છે. આ ઉપરાંત ત્રણ મેચનું પરિણામ આવી શક્યું નથી. આ રીતે ટી20 આંતરરાષ્ટ્રીયમાં
ભારતીય ટીમનું પલડું ભારે રહ્યું છે.