• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

શ્રેણી વિજય માટે ટીમ ઇન્ડિયા આતુર : આજે ઓસિ. સામે આખરી T-20 મેચ

ભારતીય ઇલેવનમાં સંજૂ સેમસનના સમાવેશની સંભાવના

ઓસ્ટ્રેલિયન બેટર્સ સામે ભારતના સ્પિન આક્રમણનો સામનો કરવાનો પડકાર

બ્રિસબેન, તા.7: વિદેશી ધરતી પર વધુ એક શ્રેણી જીતવાની કગાર પર ઉભેલી ટીમ ઇન્ડિયા શનિવારે અહીં પાંચમા અને અંતિમ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં પોતાની બેટિંગ નબળાઈ દૂર કરી ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી વિજયની કોશિશ કરશે. પાંચ મેચની શ્રેણીમાં સૂર્યકુમાર યાદવની ટીમ 2-1ની અપરાજિત સરસાઇથી આગળ ચાલી રહી છે અને ઓસ્ટ્રેલિયામાં 17 વર્ષથી કોઇ ટી-20 શ્રેણી ન ગુમાવવાનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. આખરી મેચમાં ઓસ્ટ્રેલિયાની નજર ભારતીય સ્પિન આક્રમણનો મજબૂતીથી સામનો કરી જીત સાથે શ્રેણી 2-2થી સમાપ્ત કરવા પર રહેશે. મેચ શનિવારે બપોરે 1-4પથી શરૂ થશે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંત જીત સાથે કરવા કોઇ કસર બાકી રાખશે નહીં. અંતિમ મેચમાં પણ તમામની નજર શુભમન ગિલ અને કપ્તાન સૂર્યકુમાર યાદવની બેટિંગ પર રહેશે. જે બન્ને હજુ સુધી આ શ્રેણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યા નથી. આ જ સ્થિતિ તિલક વર્માની છે. ગિલ પાછલી 7 ઇનિંગમાં એક ફિફટી કરી શકયો નથી. સૂર્યકુમાર આક્રમક શરૂઆત બાદ મોટી ઇનિંગ રમી રહ્યો નથી. તિલક પાછલી 3 ઇનિંગમાં 0, 29 અને પ રનનો સ્કોર કરી શક્યો છે.

આખરી મેચમાં વિકેટકીપર જિતેશ શર્માના સ્થાને ફરી સંજૂ સેમસનને તક મળી શકે છે. ભારતીય બોલિંગ આક્રમણમાં ફેરફાર કરવાનું પસંદ કરશે નહીં. ખાસ કરીને ત્રણ સ્પિનર વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર ટીમ માટે હુકમના એક્કા છે. અક્ષર અને સુંદરની બેટિંગ ક્ષમતાથી ભારતની ટીમ વધુ મજબૂત બને છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે આવતા વર્ષે ભારત અને શ્રીલંકાની ધીમી વિકેટ પર ટી-20 વર્લ્ડ કપ રમવાનો એક અલગ પડકાર છે. તેમની પાસે આ શ્રેણીમાં ભારતના સ્પિનરોનો મજબૂતીથી સામનો કરવાનો મોકો હતો, જેમાં તેઓ સફળ રહ્યા નથી. હવે શ્રેણીના આખરી મેચમાં કાંગારૂ બેટધરો ભારતીય સ્પિન ત્રિપુટી સામે ફ્રંટફૂટ પર બેટિંગ કરી મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયાની ઇલેવનમાં નવોદિત મહલી બિયર્ડમેનને પદાર્પણની તક મળી શકે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક