આખરી 4 દડામાં વેસ્ટ ઇન્ડિઝ 7 રન કરી શક્યું નહીં
ઓકલેન્ડ,
તા. 6: પ્રવાસી ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના બીજા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ન્યુઝીલેન્ડે
રસાકસી બાદ 3 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. આથી 3 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી
ગઇ છે. ન્યુઝીલેન્ડના પ વિકેટે 207 રનના જવાબમાં વિન્ડિઝ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે
204 રને અટકી હતી. ફક્ત 28 દડામાં 6 ચોક્કા અને 7 છક્કાથી વિસ્ફોટક 78 રન કરનાર કિવિ
મીડલઓર્ડર બેટર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. 208 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા વિન્ડિઝ
તરફથી રોવમેન પોવેલે 16 દડામાં 1 ચોક્કા અને 6 છક્કાથી 4પ રનની સર્વાધિક ઇનિંગ રમી
હતી. એક તબક્કે વિન્ડિઝ ટીમે 93 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. આ પછી પોવેલ અને રોમારિયો
શેફર્ડ (34) વચ્ચે સાતમી વિકેટમાં 24 દડામાં 62 રનની અને પોવેલ-મેથ્યૂ ફોર્ડ (29) વચ્ચે
આઠમી વિકેટમાં 18 દડામાં 47 રનની ભાગીદારી થઇ હતી. જો કે પૂંછડિયા બેટધરો વિન્ડિઝને
જીત અપાવી શકયા ન હતા. આખરી 4 દડામાં વિન્ડિઝ બેટધરો જીત માટે ખુટતા 7 રન કરી શકયા
ન હતા. કિવિઝ તરફથી કપ્તાન મિચેલ સેંટનર અને ઇશ સોઢીએ 3-3 વિકેટ લીધી હતી.
આ પહેલા
ન્યુઝીલેન્ડે ટિમ રોબિન્સનના 39, ડવેન કોન્વેના 16, રચિન રવીન્દ્રના 11, માર્ક ચેપમેનના
આતશી 78, ડેરિલ મિચેલના 28 અને કેપ્ટન મિચેલ સેંટનારના અણનમ 18 રનની મદદથી પ વિકેટે
207 રન કર્યાં હતા. રોસ્ટન ચેઝને 2 વિકેટ મળી હતી.