• રવિવાર, 27 એપ્રિલ, 2025

હૈદરાબાદની રફતાર પર અંકુશ મુકવાનો લખનઉ સામે પડકાર

- પહેલા મેચમાં હાર સહન કરનાર ઋષભ પંતની ટીમ માટે સનરાઇઝર્સની બાધા પાર કરવી કઠિન

 

હૈદરાબાદ, તા.26: પહેલા મેચમાં આંચકારૂપ હાર સહન કરનાર લખનઉ સુપર જાયન્ટસ ટીમ ગુરુવારે રમાનાર આઇપીએલના મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કઠિન પડકારનો સમાનો કરશે. જેના બેટધરો હરીફ બોલરો પર બેખોફ બની તૂટી પડે છે અને રનનું રમખાણ સર્જે છે. ગત સીઝનની ઉપવિજેતા ટીમ સનરાઇઝર્સે આ વખતે પણ તેનો આક્રમક અંદાજ ચાલુ રાખ્યો છે. રાજસ્થાન સામેના પોતાના પહેલા મેચમાં આ ટીમ આઇપીએલ ઇતિહાસના સર્વાચ્ચ સ્કોરની નજીક પહોંચી હતી. આ મેચમાં સનરાઇઝર્સે 286 રનનો સ્કોર કર્યો હતો અને 44 રને જીત મેળવી હતી. પેટ કમિન્સની આગેવાનીવાળી આ ટીમમાં વિસ્ફોટક બેટધરોની ફોજ છે. મુખ્ય ઝડપી બોલરોની ગેરહાજરીને લીધે ઋષભ પંતના કપ્તાનપદ હેઠળની લખનઉ ટીમ માટે એસઆરએચના બેટર્સ પર અંકુશ મુકવો આસાન નહીં હોય.

રાજસ્થાન સામે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઝડપી શરૂઆત બાદ ઇશાન કિશને વિસ્ફોટક સદી ફટકારી હતી. આ ત્રણ બેટર અને હેનરિક કલાસેનની રન રફતાર પર લગામ કસવી લખનઉ માટે કઠિન કાર્ય બની રહેશે. આથી લખનઉ ટીમ બોલિંગની સ્પષ્ટ યોજના સાથે મેદાનમાં ઉતરવું પડશે. એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે. લખનઉ તેની નાની ભુલને લીધે જ પાછલા મેચમાં દિલ્હી સામે 1 વિકેટે હાર્યું હતું. આ મેચમાં તેમણે જીતની બાજી હારમાં પલટાવી હતી. હૈદરાબાદ વિરૂધ્ધના મેચમાં એલએસજીના કેપ્ટન અને 27 કરોડી ઋષભ પંત પર વિશેષ દબાણ રહેશે. તે રાજસ્થાન સામે ઝીરોમાં આઉટ થયો હતો અને અંતિમ ઓવરમાં સ્ટમ્પિંગ ગુમાવ્યું હતું. લખનઉ ટીમના બેટધરોએ પણ સારો દેખાવ કરવો પડશે. પાછલા મેચમાં મિચેલ માર્શ અને નિકોલસ પૂરન સિવાયના તમામે વિકેટ ફેંકી હતી.

હૈદરાબાદની પિચ બેટધરોને મદદગાર રહી છે. આથી ટોસ જીતનાર ટીમ બેટિંગ પસંદ કરશે અને સ્કોર બોર્ડ પર 220 આસપાસનો ટોટલ જોવા માગશે.

ઇ-પેપરના નવા શુલ્ક