મેચ
રાત્રે 8-30થી શરૂ થશે
ડરબન,
તા.7: ભારતીય ક્રિકેટનો હાલ સંઘર્ષ કાળ ચાલી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણાની
ટેસ્ટ શ્રેણીની 0-3ની કારમી હારના ઘાવ હજુ રૂઝાયા નથી ત્યારે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં
યુવા ભારતીય ટીમ પર શુક્રવારથી શરૂ થતી દ. આફ્રિકા સામેની 4 મેચની ટી-20 શ્રેણીમાં
સારો દેખાવ કરવાનું દબાણ રહેશે. આ શ્રેણી દ્વારા સંજૂ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા
અને વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીઓ ચમક બિખેરીને રાષ્ટ્રીય ટીમમાં પોતાની જગ્યા મજબૂત
કરવાની કોશિશ કરશે. બન્ને ટીમના ખેલાડીઓની નજર આઇપીએલના મેગા ઓક્શન પર પણ હશે. આ શ્રેણીના
સારા દેખાવથી તેમને ઓકશનમાં જેકપોટ મળી શકે છે. દ. આફ્રિકા ટીમ હોમ કન્ડીશનનો ફાયદો
ઉઠાવી શ્રેણીની શરૂઆત જીત સાથે કરવા માગશે. આફ્રિકી ટીમનું લક્ષ્ય જૂનમાં ટી-20 વિશ્વ
કપ ફાઇનલમાં ભારતના હાથે મળેલી હારનો હિસાબ ચૂકતે કરવાનું હશે. પહેલો ટી-20 મેચ શુક્રવારે
રાત્રે 8-30થી શરૂ થશે.
સેમસને
હાલમાં જ બાંગલાદેશ સામેની ટી-20 શ્રેણીમાં ઇનિંગનો પ્રારંભ કર્યો હતો. તેણે 47 દડામાં
111 રનની વિસ્ફોટક ઇનિંગ રમી પોતાની ઓપનરની ભૂમિકાને ન્યાય આપ્યો હતો. રોહિતની ટી-20માં
નિવૃત્તિ બાદ આ ફોર્મેટમાં સંજૂ પાસે નિયમિત ઓપનર બનવાનો મોકો છે. અભિષેક શર્મા માટે
આ શ્રેણી મહત્વની છે. કારણ કે ઝિમ્બાબ્વે સામે જુલાઇમાં રમાયેલ શ્રેણીમાં એક અર્ધસદી
સિવાય રન કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પોતાની સ્થિતિ સ્થિર કરવા માટે તેણે બેટિંગમાં
નિરંતરતા લાવવી પડશે. વિકેટકીપર જિતેન શર્મા અને સ્પિનર વરુણ ચક્રવર્તી પાસે પણ છાપ
છોડવાનો સારો મોકો છે.
ઝડપી
બોલર અર્શદીપ સિંઘ, આવેશખાન, વિશાક વિજયકુમાર અને યશ દયાલનો દ. આફ્રિકી પીચો પર કેવો
દેખાવ રહે છે તેના પર પસંદગીકારોની બારીક નજર રહેશે. અર્શદીપ અને આવેશને ઇન્ટરનેશનલ
ક્રિકેટનો સારો અનુભવ છે. જ્યારે યશ અને વિશાક ડોમેસ્ટિક અને આઇપીએલના સારા દેખાવના
બળે ભારતીય ટીમમાં પહોંચ્યા છે. અન્ય એક ખેલાડી રમણદીપ સિંઘ આક્રમક બેટર છે. આથી તેને
કેકેઆર ફ્રેંચાઇઝીએ રીટેન કર્યો છે. તે મીડીયમ પેસ બોલિંગ પણ કરી શકે છે.
ટીમના
સિનિયર ખેલાડીઓ કપ્તાન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, અક્ષર પટેલ પણ દ. આફ્રિકા સામેની
શ્રેણીમાં જબરદસ્ત દેખાવની કોશિશ કરશે. જેથી વન ડે ટીમમાં પણ તેમનું સ્થાન સુનિશ્ચિત
કરી શકે.