• મંગળવાર, 24 જૂન, 2025

મનપામાં જુનિયર કલાર્કની 1 જગ્યા માટે 468 દાવેદારે પરીક્ષા આપી

128 જગ્યા માટે રાજકોટના 111, અમદાવાદના 87 અને વડોદરાના 27 સેન્ટર પર 60,000થી વધુ ઉમેદવાર નોંધાયા

સુપરવિઝન માટે કોર્પોરેશનનો 500 અધિકારી-કર્મીઓનો સ્ટાફ તૈનાત રહ્યો

રાજકોટ, તા.4 : મહાપાલિકામાં જુનિયર કલાર્કની 128 જગ્યા માટે આજે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ, અમદાવાદ તેમજ વડોદરાના કેન્દ્રો પર મળી અંદાજે 60 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકાર માન્ય એજન્સી મારફત લેવાયેલી પરીક્ષામાં સુપરવિઝન માટે કોર્પોરેશનનો 500 અધિકારી- કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહ્યો હતો. આ પરીક્ષામાં વીડિયોગ્રાફી બાદ જ ઉમેદવારોને એન્ટ્રી આપવામાં આવી હતી. તેમજ મોબાઈલ સહિત તમામ ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે લઈ જવા પર પ્રતિબંધ છે. આ સાથે જ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તમામ કેન્દ્રો બહાર રાખવામાં આવ્યો છે.

મહેકમ વિભાગ દ્વારા થોડા સમય પહેલા જુનિયર કલાર્કની ખાલી પડેલી 128 જગ્યા માટે જાહેરાત આપવામાં આવી હતી. જેમાં કુલ 60,525 અરજીઓ આવી હતી. રાજકોટમાં 111, અમદાવાદમાં 87 અને વડોદરામાં 27 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. જેમાં સવારે 11થી બપોરના 12:30 સુધી 100 માર્કસનાં એમસીકયું પ્રકારના પ્રશ્નોનાં જવાબ ઉમેદવારો દ્વારા આપવામાં આવ્યા હતાં. છેલ્લા આઠ વર્ષમાં મનપા ત્રીજી વખત કલાર્કની ભરતી કરી રહ્યું છે. લગભગ તમામ વખત આટલી સંખ્યામાં જ બેરોજગાર યુવાનો અરજી કરતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉના રાઉન્ડમાં પણ 125 જેટલા કલાર્કની ભરતીમાં 60 હજાર જેટલી અરજીઓ આવી હતી. જોકે ભરતી બાદ આ પૈકીના અડધાથી વધુ ફિકસ કલાર્ક નોકરી છોડીને અન્યત્ર ચાલ્યા જવાથી આ જગ્યાઓ પણ હાલ ખાલી પડી છે. મનપામાં ક્લાર્કની 200 જેટલી જગ્યાઓ ખાલી હોય હાલ કર્મચારીઓને કામનું ભારણ વધ્યું છે. જોકે, મેં મહિનામાં યોજાનાર આ ભરતી પરીક્ષા બાદ 128 ક્લાર્કની ભરતી થતા હાલના કર્મચારીઓને પણ રાહત મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક