છેલ્લા પાંચ કારોબારી દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ 4,પ9,28,20,00,000 રૂપિયા ઘટી: ધનવાનોની યાદીમાં 13મા ક્રમે સરક્યા
નવીદિલ્હી, તા.17: હિંડનબર્ગનાં ઘટસ્ફોટ પછી છેલ્લા બે મહિનાથી કારોબારી આલમમાં ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ ચર્ચાનાં કેન્દ્રમાં છે. અનેક પ્રકારનાં આક્ષેપોને પગલે શેરબજારમાં ભૂકંપ સર્જાઈ ગયો હતો અને તેમાં અદાણીની અડધી સંપત્તિ ધ્વસ્ત થઈ ગઈ. અદાણી ધ્યાનનાં કેન્દ્રમાં રહેવાનાં કારણે મુકેશ અંબાણીની રિલાયન્સ તરફ બધાનું ધ્યાન ઓછું ગયું છે. છેલ્લા કેટલાક દિવસોનાં રિલાયન્સનાં શેરનાં પ્રદર્શનની વાત કરવામાં આવે તો તેમાં પણ જબરદસ્ત કડાકા બોલી ગયા છે અને તેનાથી મુકેશ અંબાણીની સંપત્તિનું પણ મોટાપાયે ધોવાણ થઈ ગયું છે.
શેરનાં ભાવમાં ગાબડાનાં કારણે ફોર્બ્સનાં અબજપતિઓની સૂચિમાં મુકેશ અંબાણી પણ 8મા ક્રમેથી સરકીને 13મા ક્રમે પહોંચી ગયા છે. અંબાણીની સંપત્તિ 8પ અબજ ડોલરથી ઘટીને 79.પ અબજ ડોલરે પહોંચી ગઈ છે. આજે તેમની સંપત્તિમાં પ79 મિલિયન ડોલરનો ઘટાડો આવ્યો હતો. છેલ્લા પાંચ દિવસનાં કારોબારમાં તેમની મિલકતમાં 6 અબજ ડોલર એટલે કે 4,પ9,28,20,00,000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે.
રિલાયન્સનાં શેર છેલ્લા પ2 સપ્તાહનાં ન્યૂનતમ સ્તરે પહોંચી ગયા છે. એક વર્ષમાં રિલાયન્સનાં શેરનાં ભાવમાં 13 ટકાનો ઘટાડો થઈ ગયો છે. જ્યારે કંપનીની બજારમૂડી પણ 1પ લાખ કરોડ સુધી ઘટી ગઈ છે. શેરબજારમાં ઘટાડાની સાથે જિયોનાં સસ્તા પ્લાનની મજબૂરીનાં કારણે કંપનીની આવક દબાણમાં છે અને તેની વિપરિત અસર શેરનાં ભાવ ઉપર પડી રહી હોવાનું નિષ્ણાતો કહી રહ્યાં છે.