• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

સીજેઆઈ ચંદ્રચૂડનું ઓનલાઈન ટ્રોલિંગ: વિપક્ષની રાષ્ટ્રપતિને રાવ

13 પક્ષનાં નેતાઓએ પત્ર લખીને રાષ્ટ્રપતિને ચીફ જસ્ટિસ વિશે ઓનલાઈન બફાટ સામે કાર્યવાહી કરવા માગણી ઉઠાવી

નવી દિલ્હી, તા.17: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડને ઓનલાઇન ટ્રોલ કરવા-પજવવા અને ઠેકડી ઉડાડવાનાં મામલામાં 13 વિપક્ષી દળોના નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પત્ર લખ્યો હતો. ન્યાયના માર્ગમાં હસ્તક્ષેપનો આરોપ મૂકતાં નેતાઓએ આ મામલે રાષ્ટ્રપતિને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી હતી. 

રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં વિપક્ષી દળોએ કહ્યું કે, અમે બધા જાણીએ છીએ કે ભારતના માનનીય સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની સુપ્રીમકોર્ટની બંધારણીય ખંડપીઠ મહારાષ્ટ્રમાં સરકારની રચના અને રાજ્યપાલની ભૂમિકા અંગે એક મહત્ત્વપૂર્ણ બંધારણીય મુદ્દા પર સુનાવણી કરી રહી છે. પત્રમાં કહેવાયું છે કે આ મામલો ન્યાયાધીન છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટીના હિત માટે સંભવિત રીતે સહાનુભૂતિ ધરાવતી ટ્રોલ આર્મીએ ભારતના માનનીય સીજેઆઈ વિરુદ્ધ એક આક્રમકતા બતાવી છે.

16 માર્ચે લખવામાં આવેલા આ પત્રમાં કહેવાયું છે કે, સીજેઆઈ વિરુદ્ધ વાપરવામાં આવી રહેલા શબ્દો અને સામગ્રી અશ્લીલ અને ટીકાને પાત્ર છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને જોઈ રહ્યા છે. આ પત્રને કોંગ્રસ સાંસદ વિવેક તન્ખા દ્વારા લખવામાં આવ્યો હતો અને પાર્ટીના સાંસદ દિગ્વિજય સિંહ, શક્તાસિંહ ગોહિલ, પ્રમોદ તિવારી, અમી યાજ્ઞિક, રંજીત રંજન, ઈમરાન પ્રતાપગઢી, આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢા, શિવસેના(યુબીટી)ના સભ્ય પ્રિયંકા ચતુર્વેદી અને સપાના સભ્ય જયા બચ્ચન અને રામગોપાલ યાદવ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ સીજેઆઈ ચંદ્રચૂડે પણ ટ્રાલિંગની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક એવો યુગ છે જ્યાં લોકોમાં ધીરજ અને સહનશીલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. 

વાંધાજનક શબ્દો નિવારવા જલ્દી તૈયાર થશે કાનૂની શબ્દાવલી

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું છે કે, અનુચિત યૌનસૂચક શબ્દો માટે એક કાનૂની શબ્દાવલી તૈયાર કરવાની યોજના છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે સુપ્રીમ કોર્ટની જેન્ડર સેંસીટાઈઝેશન એન્ડ ઈન્ટરનલ કંપ્લેઈન કમિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, મહિલાઓ માટે અશોભનીય, અપમાનજનક શબ્દોને ધ્યાને લેતા કાનૂની શબ્દાવલી બનાવવાની આવશ્યકતા છે. આ એક એવું અભિયાન છે જે થોડા વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલું અને હવે તેને પૂરું કરવાનું છે. અનેક ચુકાદામાં મહિલાઓ માટે રખાત જેવો શબ્દ વપરાયેલો દેખાય છે જ્યારે તે સંબંધમાં હોય છે. આવી બાબતો વિશે આપણે જ્યાં સુધી વિચારીશું નહીં ત્યાં સુધી આપણે વિકસિત સમાજ નહીં બનીએ.