ખેડૂત આંદોલનના 14મા દિવસે સોમવારે ખેડૂતોના સમર્થનમાં સંયુક્ત કિસાન મોર્ચા (એસકેએમ)એ દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કરી હતી, જેમાં પંજાબમાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખેડૂતોએ ટ્રેક્ટરની ટ્રોલીઓ ઊભી રાખી દીધી હતી. ખેડૂતોની દિલ્હી કૂચ 29મી ફેબ્રુઆરી સુધી ટળી હોવાથી હરિયાણા પોલીસે દિલ્હી-ચંડીગઢ માર્ગ પરથી બેરિકેડ હટાવ્યા હતા. એક મીડિયા હેવાલ મુજબ, ખેડૂત નેતા સરવણ પંધેરએ શંભુ સીમાએ કહ્યું હતું કે, લઘુતમ ટેકાના ભાવ ગેરંટી કાયદા સહિત બાકીની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન પૂરુ નહીં થાય. પંધેરે બાકીના સંગઠનોને પણ આંદોલનમાં જોડાવા આગળ આવે તેવી અપીલ કરી હતી. જો કે, હરિયાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોએ પ્રદર્શન કરવા સાથે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના પૂતળાંનું દહન કર્યું હતું. 29મી સુધી કૂચ મોકૂફ રખાયા છતાં પંજાબ-હરિયાણાની શંભુ અને ખનૌરી સીમાએ ખેડૂતોએ માંગ ચાલુ રાખી હતી.