• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

દેશમાં નવેમ્બરમાં UPI દ્વારા 17.4 ટ્રિલિયનનાં ટ્રાન્ઝેક્શન

2027નાં નાણાકીય વર્ષ સુધીમાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શન રોજના 100 કરોડના આંકડાને પાર કરે એવી આશા: ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો 

નવી દિલ્હી, તા.2 : નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં નવેમ્બરમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)એ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ગયા મહિને દેશમાં યુપીઆઇ દ્વારા રૂ. 17.4 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન થયા હતાં. આ ઓક્ટોબરમાં રૂ. 17.16 ટ્રિલિયનનાં ટ્રાન્ઝેક્શન કરતાં 1.4 ટકા વધુ છે. જોકે, આ સમયગાળા દરમિયાન કુલ વ્યવહારોની સંખ્યામાં 1.5 ટકાનો ઘટાડો થયો છે. તે ઓક્ટોબરમાં 11.41 અબજથી ઘટીને 11.24 અબજ થઈ ગયો છે. આના પરથી સમજી શકાય છે કે ટ્રાન્ઝેક્શન દીઠ વધુ પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી. એક એવી પણ આશા રાખવામાં આવે છે કે 2027ના નાણાકીય વર્ષ સુધીમાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શન રોજના 100 કરોડના આંકડાને પાર કરી જશે. આવનારા પાંચ વર્ષોમાં દુકાનોમાં 90 ટકા ટ્રાન્ઝેક્શન યુપીઆઇ દ્વારા થવાના અનુમાન છે. એનપીસીઆઇના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં 54 ટકાનો વધારો થયો છે. સાથે પૈસાની લેવડદેવડમાં પણ 46 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં, 15.8 ટ્રિલિયન રૂપિયાના 10.56 અબજ વ્યવહારો થયા હતા જ્યારે નવેમ્બરમાં 32.1 કરોડ ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન થયાં હતાં અને ઓક્ટોબરમાં આ આંકડો 32 કરોડ હતો. ફાસ્ટેગ દ્વારા 5303 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો 5539 કરોડ રૂપિયા હતો. ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન વધ્યાં છે પરંતુ રકમ ઘટી છે. ગયા મહિને આએમપીએસના ઉપયોગમાં ઘટાડો થયો છે. આ વર્ષે ઓક્ટોબર કરતા નવેમ્બરમાં 4 ટકા ઘટીને 47.2 કરોડ થયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક