રાજસ્થાનમાં વડાપ્રધાને કર્યા પ્રહાર : કોંગ્રેસી નેતાઓ એકબીજાને રનઆઉટ કરે છે
ચૂરૂ, તા. 19 : વિશ્વકપ ફાઇનલના દિવસે ક્રિકેટના મિજાજમાં જોવા મળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનમાં ચૂરૂનાં તારાનગર અને ઝૂંઝનુંમાં ચૂંટણી સભાઓ ગજવતાં કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ એકબીજાને રનઆઉટ કરવામાં લાગેલા છે.
બાકી જે બચ્યા?છે, તેઓ મહિલાઓ અને અન્ય મુદ્દાઓ પર ખોટાં નિવેદનો કરીને હિટ વિકેટ થઇ રહ્યા છે. બાકીના પૈસા લઇને, લાંચ લઇને મેચ ફિકસીંગ કરી રહ્યા છે, તેવા પ્રહારો મોદીએ કર્યા હતા.
વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસ રાજમાં આ ભૂમિ પર ઇશ્વરનું નામ લેવું પણ મુશ્કેલ થઇ ગયું છે. કોંગ્રેસ દેવ-દેવીઓની શોભાયાત્રા પર રોક લગાવે છે. પરંતુ આતંકી જૂથ પીએફઆઇની રેલીને ઉત્તેજન આપે છે.
કોંગ્રેસે ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે. ભાજપની સરકાર આવશે તો તમામ ભ્રષ્ટાચારીઓને ‘આઉટ’ કરી નાખશે. ભાજપ વિકાસનો સ્કોર ગતિભેર બનાવશે, તેવું મોદીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આજે ભારત દરેક ક્ષેત્રમાં વિકાસ કરે છે, ચંદ્રયાન ચંદ્ર પર પહોંચ્યું, કોવિડની રસી બનાવી, પરંતુ કોંગ્રેસ અને વિકાસ એકમેકનાં દુશ્મન છે.
લાલ ડાયરીનાં પાનાં ધીરે ધીરે ખુલી રહ્યાં?છે. એક તરફ ડાયરીનાં પાનાં ખુલે છે બીજી તરફ ગેહલોતજીનો ફયૂઝ ઊડી જાય છે. તેમની જાદુગરી લાલ ડાયરીમાં દેખાવા લાગી છે, તેવા પ્રહારો વડાપ્રધાને કર્યા હતા.