કુદરતનાં કહેર વચ્ચે જુદી-જુદી દુર્ઘટનાઓમાં કુલ 44નાં મૃત્યુ: હજી બે દિવસ તોફાની વરસાદની આગાહી
નવી
દિલ્હી, તા.પ: આંધી-તોફાન, ભારે વરસાદ, કરાં અને વીજળી પડવાથી ઉત્તરપ્રદેશ, બિહારમાં
જાનમાલની ભારે નુકસાન થઈ છે. સોમવારે કુદરતનાં આ કહેરમાં થયેલા અકસ્માતોમાં ઉત્તર પ્રદેશમાં
24 અને બિહારમાં 20 લોકોના મૃત્યુ થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે.
ખરાબ
હવામાનનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અને પાકને પણ ભારે નુકસાન થયું હતું. આંધીને
કારણે વીજળીના થાંભલા પડી ગયા અને તાર તૂટી પડતા સેંકડો ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો
હતો. અનેક જગ્યાએ રસ્તાઓ અવરોધિત થયા અને કેરી, ઘઉં તથા શાકભાજીના પાકને ભારે નુકસાન
પહોંચ્યું હતું.
ઉત્તર
પ્રદેશમાં ભારે ગરમી વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ પણ પડી રહ્યો છે. સોમવારે લખનઉ
સહિત 50થી વધુ જિલ્લાઓમાં સવારે 8:30 વાગ્યાની આસપાસ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતાં
અને ગાજવીજ સાથે તેજ પવન અને વરસાદ શરૂ થયો, જેના કારણે વાહનોને લાઈટ ચાલુ કરવી પડી
હતી.
હવામાન
વિભાગ મુજબ હજી પણ બે દિવસ સુધી રાજ્યના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોમાં તેજ આંધી, મધ્યમથી
ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. 60 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
કરવામાં આવ્યું છે અને 40થી વધુ જિલ્લાઓમાં વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
બિહારમાં
ઔરંગાબાદ, ગયા, રોહતાસ, ભોજપુર, વૈશાલી, પૂર્વી ચંપારણ, સીતામઢી અને બગહામાં ભારે નુકસાન
થયું છે. ઔરંગાબાદ જિલ્લામાં વીજળી પડવાથી 3 લોકોના મૃત્યુ થયા અને 5 ગ્રામજનો ઘાયલ
થયા છે. પૂર્વી ચંપારણ જિલ્લામાં 5 લોકોના મૃત્યુ થયા છે. ગયામાં શેરઘાટી, ટિકારી અને
કોનચ વિસ્તારમાં પણ વીજળી પડવાથી મૃત્યુ થયા છે. સૌથી વધુ મોત પૂર્વી ચંપારણમાં નોંધાયા
છે. આમ, આંબા અને લીચી સહિતના પાકને પણ ભારે નુકસાન થયું છે.