ટીવીકેનાં મોટાભાગનાં ધારાસભ્યોમાં અનુભવની કમીનાં હિસાબે અનુભવી સાથીઓની વિજયને આવશ્યકતા
નવી
દિલ્હી, તા.પ: તમિલનાડુમાં ઐતિહાસિક રાજકીય પરિવર્તન જોવા મળી રહ્યું છે. વિજયનાં પક્ષ
ટીવીકેને સૌથી વધુ જનસમર્થન તો મળ્યું છે પણ વિધાનસભા ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ
બહુમતી નથી મળી એટલે હવે દાયકાઓ પછી પહેલીવાર રાજ્ય ગઠબંધન સરકાર બનાવવાના માર્ગ પર
છે. ટીવીકે સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે પરંતુ 234 સભ્યની વિધાનસભામાં બહુમતી
માટે જરૂરી 118 બેઠક કરતાં ઓછી બેઠકો મળતાં હવે ગઠબંધનનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો
છે.
આજે
ટીવીકેનાં મુખ્યાલયમાં વિજયે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં ગઠબંધનની
રચના સ્પષ્ટ થવા લાગી છે. સૂત્રો મુજબ, કોંગ્રેસ (5 બેઠક), વીસીકે(2), સીપીઆઈ (2) અને
સીપીઆઈ(એમ) (2)ના કુલ 11 ધારાસભ્યનું સમર્થન અપાવી શકશે. અહેવાલ મુજબ, આ પક્ષો સાથે
અનૌપચારિક ચર્ચાઓ ચાલી રહી છે અને તેમણે ગઠબંધન સરકાર બનાવવા ઈચ્છા વ્યક્ત કરી છે.
વીસીકે
પ્રમુખ થોલ થિરુમાવલવને જણાવ્યું કે જનતા ગઠબંધન સરકાર ઇચ્છે છે. અમે અને ડાબેરી પક્ષો
રાજ્યમાં ધર્મનિરપેક્ષ મોરચા હેઠળ કામ કરીશું. બીજી તરફ, ટીવીકે સૂત્રોએ જણાવ્યું હતું
કે વિજયે ચૂંટણી પ્રચાર દરમિયાન જ ગઠબંધન સરકારના વિચારને સમર્થન આપ્યું હતું.
અહેવાલ
મુજબ, પ્રસ્તાવિત ગઠબંધન હેઠળ કોંગ્રેસને બે મંત્રાલય મળવાની શક્યતા છે, જ્યારે વીસીકે
અને ડાબેરી પક્ષોને એક-એક મંત્રાલય આપવામાં આવી શકે છે. ટીવીકે પોતાના સાથી પક્ષોને
કુલ 4થી 6 મંત્રીપદ આપવાની તૈયારીમાં છે, જેથી અનુભવની કમી પૂરી કરી શકાય. નોંધનીય
છે કે ટીવીકેના મોટાભાગના ધારાસભ્યો પ્રથમવાર ચૂંટાઈ આવ્યા છે, તેથી વિજયને અનુભવી
અને જાણકાર લોકોની જરૂર પડશે.
આ કારણે
જ સરકારમાં વહીવટી મજબૂતી માટે ટીવીકે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને ભ્રષ્ટાચાર વિરોધી
છબી ધરાવતા યુ સગાયમને વિધાનસભામાં લાવવાની યોજના બનાવી રહી છે. શક્યતા છે કે વિજય
દ્વારા જીતેલી તિરુચી પૂર્વ બેઠક પર પેટાચૂંટણી યોજીને તેમને ધારાસભ્ય બનાવવામાં આવે.આજે
ટીવીકે ધારાસભ્યો દ્વારા વિજયને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા પછી રાજ્યપાલ તેમને
સરકાર બનાવવા માટે આમંત્રિત કરશે.
કાલે
તામિલનાડુ મુખ્યમંત્રી પદે વિજયનાં શપથ સંભવ
નવી
દિલ્હી, તા.પ: તામિલનાડુ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ રાજ્યમાં સરકાર રચનાની ગતિવિધિ
વેગવંતી બની ગઈ છે. તમામ પક્ષો પોતપોતાનાં સમીકરણો ગોઠવવા માંડયા છે. સૌથી મોટો પક્ષ
બનીને ઉપસી આવેલા વિજયનાં પક્ષ ટીવીકેએ સરકાર રચવાનો દાવો કરવા માટે રાજ્યપાલને મળવાનો
સમય માગ્યો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટીવીકે પ્રમુખ વિજય 7મી મેનાં રોજ તામિલનાડુનાં
નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી શકે છે. જો કે હજી આની અધિકૃત ઘોષણા બાકી છે.