ઉમરના ડિજીટલ ઉપકરણોમાંથી ચેટ ડેટા બરામદ : આરોપો ઉપર ભડકી તુર્કીની સરકાર
નવી દિલ્હી, તા. 13 : દિલ્હીના
લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટનું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યું છે. સૂત્રો અનુસાર
બ્લાસ્ટનો મુખ્ય આરોપી ડો. મોહમ્મદ ઉમર નબી તુર્કીના અંકારામાં છુપાયેલા એક રહસ્યમયી
હેન્ડલરના સંપર્કમાં હતો. જેનું કોડનેમ ઉકાસા બતાવાય રહ્યું છે. આ હેન્ડલર કથિત રીતે
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલો છે. આ ખુલાસા બાદ તુર્કી
સરકારે ભારતીય મીડિયા ઉપર ભ્રામક અહેવાલો ચલાવવાનો આરોપ મુકતા વાંધો ઉઠાવ્યો છે અને
દુષ્પ્રચાર અભિયાન ગણાવ્યું છે. જે ભારત-તુર્કી સંબંધોને નુકસાન પહોંચાડવાનો
પ્રયાસ છે.
એક રિપોર્ટ અનુસાર તપાસ એજન્સીઓએ
ઉમરનાફોન અને લેપટોપમાંથી એક એક્રિપ્ટેડ મેસેજિંગ એપ ‘સેશન’ની ચેટ હિસ્ટ્રી બરામદ કરી
છે. આ એપ મારફતે ઉમર સતત તુર્કીના અંકારા સ્થિત હેન્ડલર ઉકાસાના સંપર્કમાં હતો. ઉકાસાનો
અરબીમાં અર્થ કરોળીયો થાય છે. એજન્સીઓને શંકા છે કે ઉકાસા હેન્ડલરનું સાચું નામ નથી
પણ ઓળખ છુપાવવા ઉપયોગમાં લેવાતો કોડનેમ છે. જે અંકારાનો હોવાની શંકા છે અને અધિકારીઓના
માનવા પ્રમાણે અંકારાથી જ સમૂહની ગતિવિધિ, આર્થિક મામલાને હેન્ડલ કર્યા છે. સૂત્રો
અનુસાર ઉકાસા જૈશ એ મોહમ્મદનો કમાન્ડર હોય શકે છે. ઉમરને નિર્દેશ અપાયો હતો કે દિલ્હીમાં
ભીડ ધરાવતા વિસ્તારમાં કાર લઈ જઈને વિસ્ફોટ કરવામાં આવે. જેથી વધુમાં વધુ નુકસાન થાય.
અગાઉ ખુલાસો થયો હતો કે ઉમર ઉપરાંત
ડોક્ટર મોડયુલના અન્ય સભ્ય ડોક્ટર મુઝમ્મિલ શકીલ ગનઈ, ડોક્ટર આદિલ અને અન્ય વર્ષની
શરૂઆતે તુર્કીની યાત્રાએ ગયા હતા. તેમના પાસપોર્ટમાંથી તુર્કીના વિઝા અને ટિકિટ બરામદ
થયા છે. આ દરમિયાન અંકારામાં જૈશના હેન્ડલર સાથે મુલાકાત થઈ હશે. જ્યાં ઓપરેશનના નિર્દેશ
અપાયા હતા. તુર્કીથી પરત ફર્યા બાદ આતંકી ડોક્ટરોએ દેશભરમાં આતંકવાદ ફેલાવવાની યોજના
બનાવી હતી.