સુરક્ષાનું કારણ ધરી સરકારે આકરાં નિયંત્રણો લાદ્યા, બળવો ભડકવાના એંધાણ
ઈસ્લામાબાદ, તા.13 : અશાંત પાકિસ્તાનમાં
હવે ગૃહ યુદ્ધની આશંકા છે.પાકિસ્તાની સેના દ્વારા નાગરિકોની હત્યા અને બલુચિસ્તાન નેતાઓના
અપહરણની ઘટનાઓ વચ્ચે બલુચિસ્તાનમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. પ્રાંતીય
ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલ સુરક્ષા ચેતવણીને પગલે રાજધાની ક્વેટા સિવાય સમગ્ર પ્રાંતમાં
મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.
પ્રાંતીય ગૃહ વિભાગે બુધવારે
જાહેર કર્યું કે 16 નવેમ્બર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત રહેશે. તેવી જ રીતે,
રાષ્ટ્રીય ધોરીમાર્ગ એન-70 ના લોરાલાઈ વિભાગ પરની તમામ પરિવહન સેવાઓ 14 નવેમ્બર સુધી
સ્થગિત કરવામાં આવી છે. સુરક્ષા ચિંતાઓ અને પ્રાંતની વર્તમાન પરિસ્થિતિને કારણે આ પગલું
લેવામાં આવ્યું છે. ઉપરાંત સુરક્ષા કારણોસર ક્વેટ્ટાના કેન્ટોનમેન્ટ વિસ્તારની તમામ
શાળાઓ બુધવારથી 16 નવેમ્બર સુધી બંધ કરવામાં આવી છે. ક્વેટામાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓએ
બુધવારથી સેવાઓમાં વિક્ષેપની જાણ કરી હતી. ગૃહ વિભાગે તમામ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ
અને સંબંધિત અધિકારીઓને આ નિર્ણયનું તાત્કાલિક પાલન સુનિશ્ચિત કરવા અને જનતાની સુવિધા
માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા નિર્દેશો જારી કર્યા હતા.